શહીદોના પરિવારને 1 કરોડનું વળતર,અગ્નિવીરોને નોકરીમાં 10 ટકા અનામતઃ રાજ્ય સરકારની મોટી જાહેરાત

હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ શહીદો અને સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારો માટે પેન્શન અને વળતરમાં વધારો કરવાની જાહેરાત કરી. સૈનીએ કહ્યું કે, શહીદો અને સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારોને મદદરૂપ થવાની ટેકો આપવાની જવાબદારી સરકારની છે. તેમણે કહ્યું કે, અમે સ્વાતંત્ર્ય સેનાનીઓ અને તેમની વિધવાઓનું દર મહિને પેન્શન વધારીને રૂ. 40,000 નક્કી કર્યું છે. યુદ્ધમાં જીવ ગુમાવનારા સૈનિકોના પરિવારો માટે વળતર વધારીને રૂ.1 કરોડ કરાયું છે.
અગ્નિવીરો માટે નોકરીઓમાં 10% અનામત
મુખ્યમંત્રીએ એવી પણ જાહેરાત કરી કે રાજ્ય સરકારે શહીદોના 418 આશ્રિતોને સરકારી નોકરીઓ આપવાનો નિર્ણય લીધો છે. આ નોકરીઓનો હેતુ શહીદોના પરિવારોની આર્થિક સ્થિતિ સુધારવા અને તેમને સન્માનજનક જીવન જીવવામાં મદદ કરવાનો છે. વધુમાં, તેમણે આગામી અગ્નિવીર યોજના અંગે પણ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો. યુદ્ધ સેવામાં ભાગ લેનારા યુવાન સૈનિકોને વધુ સારી તકો પૂરી પાડવા અગ્નિવીરોને નોકરીઓમાં 10% અનામત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુરુગ્રામમાં મુખ્યમંત્રીએ ત્રિરંગો ફરકાવ્યો
હરિયાણાના રાજ્યપાલ અસીમ કુમાર ઘોષે પંચકુલામાં રાજ્ય સ્તરીય કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો, ગુરુગ્રામમાં મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ ત્રિરંગો ફરકાવ્યો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર મેસેજ લખ્યો છે કે, પ્રજાસત્તાક દિવસ બંધારણીય મૂલ્યોમાં આપણી અતૂટ શ્રદ્ધા, સામાજિક સમાનતા માટેના આપણા સંકલ્પ અને લોકશાહી આદર્શો પ્રત્યેની આપણી દ્રઢ પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. આ શુભ પ્રસંગે હું આપણા દેશની સ્વતંત્રતા માટે લડનારા વીર સ્વાતંત્ર્ય સેનાનીઓ અને મજબૂત પ્રજાસત્તાકનો પાયો નાખનારા બંધારણના સ્થાપકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

