દિલ્હી: સ્કૂલોમાં બોમ્બની ધમકી આપનાર 12માં ધોરણનો વિદ્યાર્થી પકડાયો, પરીક્ષાના ડરથી મોકલતો હતો મેલ

દિલ્હીની સ્કૂલોમાં બોમ્બની ધમકી આપવાનો કેસ હલ કરવામાં આવ્યો છે. આ ઘટનામાં પોલીસે 12માં ધોરણમાં ભણતા એક વિદ્યાર્થિની ધરપકડ કરી છે. સગીર વિદ્યાર્થી 6 વખત મેલ મોકલી ચુક્યો છે. દર વખત વિદ્યાર્થીએ પોતાની સ્કૂલ સિવાય કેટલીક અન્ય સ્કૂલોને પણ ધમકી ભરેલો મેઇલ મોકલ્યો હતો. વિદ્યાર્થીએ એક વખત 23 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો મેલ કર્યો હતો. કોઇને શક ના થાય તે માટે તેને બીજી સ્કૂલોને પણ મેલના સીસીમાં રાખી હતી. વિદ્યાર્થી સ્કૂલમાં પરીક્ષા આપવા માંગતો નહતો માટે આ મેલ કર્યા હતા.
પરીક્ષાના ડરથી મોકલતો હતો ધમકી આપતા મેલ
દિલ્હીમાં સતત સ્કૂલોમાં ધમકી આપતા મેલ મળતા હતા જેને કારણે સ્કૂલમાં અફરા તફરીનો માહોલ જોવા મળતો હતો. સ્કૂલોને કેટલીક વખત સુરક્ષાના કારણોસર પોલીસ દ્વારા ખાલી પણ કરવામાં આવી હતી અને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કેસને હવે પોલીસે હલ કર્યો છે. દિલ્હી પોલીસે જણાવ્યું કે વિદ્યાર્થી સ્કૂલમાં પરીક્ષાને લઇને પરેશાન હતો અને તે ઇચ્છતો હતો કે તેની સ્કૂલમાં રજા થઇ જાય અને તેને પરીક્ષા આપવી ના પડે.
આ પણ વાંચો: ભોપાલ સેન્ટ્રલ જેલમાં મળેલા ડ્રોનના કેસમાં નવો વળાંક, જેલમાં 69 આતંકવાદીઓ છે બંધ
દિલ્હીમાં સ્કૂલોમાં સતત મળતી હતી બોમ્બની ધમકી
ડિસેમ્બરમાં જ દિલ્હીની 40થી વધારે સ્કૂલોને એક ઇમેલ મળ્યો હતો જેમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી. આ ઇમેલ 8 ડિસેમ્બરે રાત્રે 11.38 વાગ્યે આવ્યો હતો. ઇમેલમાં કહેવામાં આવ્યું કે સ્કૂલના કેમ્પસમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો છે. જો આ બોમ્બ ફૂટશે તો મોટું નુકસાન થશે. દિલ્હી પોલીસ IP એડ્રેસ અને મેલ મોકલનારાની તપાસમાં લાગી ગઇ હતી. તે બાદ ખબર પડી કે આ જાણકારી પુરી રીતે ખોટી છે. તપાસ બાદ પોલીસને કંઇ શંકાસ્પદ મળ્યું નહતું.

