પશ્ચિમ બંગાળના બીરભૂમમાં બે જૂથ વચ્ચે અથડામણ, હિંસા બાદ ઈન્ટરનેટ બંધ

હોળી-ધૂળેટીના પર્વની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જોકે ધૂળેટીમાં હર્ષ અને ઉલ્લાસના રંગમાં અમુક જગ્યાઓ પર હિંસા પણ થઈ હતી. પશ્ચિમ બંગાળના બીરભૂમમાં બે જૂથ વચ્ચે ભારે હિંસા બાદ કેટલાક વિસ્તારોમાં ઈન્ટરનેટ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. રાજ્ય સરકારે પોલીસને હાઇ અલર્ટ પર રહેવા આદેશ આપ્યા છે તથા સુરક્ષાદળોની એક વિશેષ ટુકડી પણ તહેનાત કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર બીરભૂમમાં બે જૂથ વચ્ચે વિવાદ બાદ મારામારી થઈ હતી.
બીરભૂમના કેટલાક વિસ્તારોમાં 17મી માર્ચ સુધી ઈન્ટરનેટ સેવા બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. પોલીસનો તર્ક છે કે ગેરકાયદે ગતિવિધિઓ રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઈન્ટરનેટ બંધ કરવાના આદેશ બાદ ભારતીય જનતા પાર્ટીએ રાજ્યની મમતા બેનરજી સરકાર પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. વિધાનસભામાં વિપક્ષ નેતા શુભેન્દુ અધિકારીએ કહ્યું છે, કે 'સરકાર પોતાની શાખ બચાવવા માટે સાંપ્રદાયિક હિંસાની ઘટના છુપાવવા પ્રયાસ કરી રહી છે. હું રાજ્યપાલને આગ્રહ કરીશ કે તેઓ આ ઘટના મુદ્દે સરકાર પાસેથી રિપોર્ટ માંગે.'

