UP Train Accident: ગોંડામાં દિબ્રુગઢ એક્સપ્રેસના 10-12 ડબ્બા પાટા પરથી ઉતર્યા, 2ના મોત, અનેક લોકો ઘાયલ

Train Accident: યુપીના ગોંડામાં ગુરુવારે બપોરે એક ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. દિબ્રુગઢ એક્સપ્રેસના 10-12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ દુર્ઘટનામાં 2 લોકોના મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. જોકે, હાલ રાહત અને બચાવની કામગીરી ચાલી રહી છે.
રેલવે વિભાગ દ્વારા બચાવ કામગીરી શરૂ
ચંદીગઢથી દિબ્રુગઢ સુધી ચાલતી 15904- દિબ્રુગઢ એક્સપ્રેસ ગુરુવારે 11:39 કલાકે ચંદીગઢથી નીકળી હતી. ત્યારે બપોરના સુમારે ટ્રેન ગોંડા અને બસ્તીની વચ્ચે ઝિલાહી સ્ટેશન પર પહોંચી ત્યારે અચાનક જોરદાર ઘડાકો સંભળાયો હતો. બાદમાં ટ્રેન પાટા પરથી ઉતરી જતાં મુસાફરોમાં ભયનો માહોલ ફેલાયો હતો. એસી કોચ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયો છે. ઘટનાની જાણ તુરંત જ રેલવે પ્રશાસનને કરવામાં આવી હતી. રેલવે વિભાગ દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.
રેલવેએ હેલ્પલાઈન નંબર કર્યો જાહેર
એસડીઆરએફની 3 ટીમ બચાવ કામગીરી માટે ઘટનાસ્થળ તરફ રવાના થઈ છે. દિબ્રુગઢ એક્સપ્રેસ ટ્રેન માટે હેલ્પલાઈન નંબર LJN-8957409292 અને GD- 8957400965 જારી કરવામાં આવ્યો છે.
ડીએમ નેહા શર્મા પણ ઘટનાસ્થળે પહોંચ્યા
અકસ્માતની જાણ થતા ડીએમ નેહા શર્મા પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. અકસ્માત બાદ લખનઉ ગોરખપુર રેલવે માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. ઘણી ટ્રેનોના ડાયવર્ઝન આપવામાં આવ્યા છે.
હાલ અકસ્માતનું કારણ જાણી શકાયું નથી
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ટ્રેન દુર્ઘટનાની નોંધ લીધી છે. તેમણે અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્યને ઝડપી બનાવવા સૂચના આપી છે. તેમજ ઈજાગ્રસ્તોને યોગ્ય સારવાર માટે સૂચના આપવામાં આવી છે. સીએમની સૂચનાથી આસપાસના જિલ્લાઓની તમામ હોસ્પિટલો, સીએચસી, પીએચસીને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. SDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કાર્યમાં લાગેલી છે. જ્યારે યુપી સરકાર અને આસામ સરકાર એકબીજાના સંપર્કમાં છે. જોકે, હાલ ટ્રેન અકસ્માતનું કારણ જાણી શકાયું નથી.

