'શાંતિ ઇચ્છતા હોવ તો યુદ્ધ માટે તૈયાર રહો...'CDS અનિલ ચૌહાણની ચીન-પાકિસ્તાનને ચેતવણી
ભારતની ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે ચીન, પાકિસ્તાનને સીધો મેસેજ આપ્યો છે.CDSએ દેશની સુરક્ષા અને

ભારતની ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે ચીન, પાકિસ્તાનને સીધો મેસેજ આપ્યો છે.CDSએ દેશની સુરક્ષા અને ભવિષ્યની તૈયારીઓ પર પણ કેટલીક જાણકારી આપી છે. અનિલ ચૌહાણે કહ્યું કે ભારત હંમેશા શાંતિનું સમર્થક રહ્યું છે પરંતુ તાકાત વગર શાંતિ માત્ર એક કલ્પના બનીને રહી જાય છે.
જનરલ અનિલ ચૌહાણે ઓપરેશન સિંદૂર અને આગામી સમયમાં ભારતની નવી રક્ષા પ્રણાલી સુદર્શન ચક્ર પર પણ ખુલીને વાત કરી હતી.CDS અનિલ ચૌહાણે કહ્યું કે આધુનિક પડકારોનો સામનો કરવા માટે માત્ર શાંતિની ઇચ્છા પુરતી નથી પણ તેની સાથે સાથે રણનીતિક શક્તિ અને તૈયારી પણ જરૂરી છે, તેમણે કહ્યું કે સુદર્શન ચક્ર માત્ર દેશના સૈન્ય અને નાગરિક સ્થળોની રક્ષા જ નહીં પણ આ ભારતની રક્ષા રણનીતિમાં નવી દિશા પણ નક્કી કરશે.
તાકાત વગર શાંતિ માત્ર એક કલ્પના
CDS અનિલ ચૌહાણે સ્પષ્ટ કર્યું કે ભારત હંમેશા શાંતિના પક્ષમાં રહ્યું છે પરંતુ સત્તા વિનાની શાંતિ માત્ર એક ભ્રમ છે. ભારત એક શાંતિપ્રિય રાષ્ટ્ર છે પરંતુ આપણને કોઇપણ સંજોગોમાં શાંતિવાદી ન માનવા જોઇએ. શાંતિ જાળવવા માટે શક્તિ જરૂરી છે. કારણ કે એક લેટિન કહેવત છે કે જો તમારે શાંતિ જોઇતી હોય તો યુદ્ધ માટે તૈયાર રહો.
ઓપરેશન સિંદૂર પર શું બોલ્યા CDS અનિલ ચૌહાણ
ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતા CDS અનિલ ચૌહાણે કહ્યું કે આ એક આધુનિક સંઘર્ષ હતો જેનાથી કેટલીક મહત્ત્વની શીખ મળી છે. CDSએ કહ્યું કે કેટલાક સુધાર લાગુ કરવામાં આવી ચુક્યા છે અને કેટલાક પર કામ ચાલી રહ્યું છે. આ ઓપરેશન હજુ પણ ચાલુ જ છે પરંતુ સેમિનારનો ઉદ્દેશ્ય ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવાનો નહીં પણ તેનાથી આગળની રણનીતિ પર વાત કરે છે.
ભારતની નવી રક્ષા પ્રણાલી સુદર્શન ચક્રને લઇને તેમણે કહ્યું કે વડાપ્રધાને 15 ઓગસ્ટે તેનો ઉલ્લેખ કર્યો હતો અને આશા વ્યક્ત કરી હતી કે 2035 સુધી આ તૈયાર થઇ જશે. આ સિસ્ટમ ભારતના મહત્ત્વના સૈન્ય, નાગરિક અને રાષ્ટ્રીય સ્થળોને સુરક્ષિત રાખવામાં મદદ કરશે.








