'વાંદરા પકડો, 600 રૂપિયા મેળવો', મહારાષ્ટ્ર સરકારનો અનોખો નિર્ણય

મહારાષ્ટ્રમાં સતત વધી રહેલા માનવ-વાંદરા સંઘર્ષને ડામવા માટે રાજ્ય સરકારે એક એવો નિર્ણય લીધો છે જે હાલમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. સરકારના નવા આદેશ મુજબ હવે જો કોઈ વ્યક્તિ વાંદરો પકડશે તો તેને 600 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. મહારાષ્ટ્ર સરકારે આ અનોખો આદેશ 22 એપ્રિલના રોજ જાહેર કર્યો હતો. શહેરો અને ગામડાઓમાં રીસસ મેકાક અને હનુમાન લંગુરની વધતી વસ્તી રહેવાસીઓ માટે એક મોટી મુશ્કેલી બની ગઈ છે. તેઓ વારંવાર ઘરોમાં ઘૂસીને સામાન ચોરી કરતા અથવા શેરીઓમાં પસાર થતા લોકો પર હુમલો કરતા જોવા મળે છે. આ ઘટનાઓએ વહીવટીતંત્ર સામે પડકારોને નોંધપાત્ર રીતે વધારી દીધા હતા. પરિણામે વન વિભાગે 'કેશ ફોર કેચ' નામની પહેલ શરૂ કરી છે.
મહારાષ્ટ્ર સરકારની આ યોજના હેઠળ વાંદરાઓને પકડવા માટે જાળી અને પાંજરાનો ઉપયોગ કરવામાં આવશે. દરેક પકડાયેલા વાંદરાનો ફોટો લેવામાં આવશે જેથી રેકોર્ડ જાળવી શકાય. બીજા શબ્દોમાં કહીએ તો, વાંદરાઓ પણ હવે 'કેમેરામાં કેદ' થશે. ત્યારબાદ, તેમને શહેરથી ઓછામાં ઓછા 10 કિલોમીટર દૂર આવેલા જંગલોમાં છોડી દેવામાં આવશે.
600 રૂપિયા માટે કોણ જોખમ લેશે?
સરકારના આ નિર્ણય સાથે એક નવો વિવાદ પણ છેડાયો છે. ઘણા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું માત્ર 600 રૂપિયા જેવી નાની રકમ માટે કોઈ વ્યક્તિ આટલું મોટું જોખમ ઉઠાવશે? વાંદરાઓને પકડવા તે કોઈ સરળ કામ નથી, તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે.
દોષિતોની માહિતી આપનારને 25 હજારનું ઈનામ
બીજી તરફ મહારાષ્ટ્રમાં વાંદરાઓ પર માનવીય હુમલાની ઘટનાઓ પણ વધી રહી છે. ગયા મહિને થાણેના યેઉર જંગલમાં બે વાંદરાઓ તીર વાગવાથી ગંભીર રીતે ઘાયલ હાલતમાં મળી આવ્યા હતા. વન વિભાગે આ મામલે તપાસ તેજ કરી છે અને દોષિતોની માહિતી આપનારને રૂપિયા 25,000 રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 હેઠળ અજાણ્યા શિકારીઓ વિરુદ્ધ કેસ પણ દાખલ કરવામાં આવ્યા છે. વન વિભાગની ટીમો સીસીટીવી ફૂટેજ દ્વારા આ શિકારીઓને શોધવાનો પ્રયાસ કરી રહી છે.
એક તરફ સરકાર વાંદરાઓને પકડવા માટે પ્રોત્સાહન આપી રહી છે, તો બીજી તરફ વન્યજીવ પ્રેમીઓ પ્રાણીઓની સુરક્ષાને લઈને ચિંતિત છે. હવે જોવાનું એ રહેશે કે 600 રૂપિયાની આ ‘પ્રાઇસ ટેગ’ યોજના કેટલી સફળ થાય છે.

