બગલામુખી મંદિરથી પરત ફરતા શ્રદ્ધાળુઓની કાર નાળામાં વહી, 3 બાળકો સહિત 8નાં મોત

મધ્યપ્રદેશના આગર-માલવા જિલ્લાના નલખેડામાં મા બગલામુખી મંદિર પાસે શનિવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ભારે વરસાદ બાદ ઉફાન પર આવેલા વરસાદી નાળામાં શ્રદ્ધાળુઓથી ભરેલી કાર તેજ પ્રવાહમાં વહી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર તમામ 8 લોકોનાં મોત થયા હતા.
દર્શન કરીને પરત ફરી રહ્યા હતા
મળતી માહિતી મુજબ, શ્રદ્ધાળુઓ ઓડિશાથી આવ્યા હતા અને ઉજ્જૈનથી ટેક્સી લઈને નલખેડા સ્થિત મા બગલામુખી મંદિરના દર્શન કરવા પહોંચ્યા હતા. દર્શન બાદ પરત ફરતી વખતે મંદિર નજીકનો વરસાદી નાળો ભારે વરસાદને કારણે ઉફાન પર હતો. આ દરમિયાન કાર તેજ પાણીના પ્રવાહની ઝપેટમાં આવી ગઈ હતી.
3 બાળકો, 2 મહિલાઓ સહિત 8નાં મોત
દુર્ઘટનામાં 3 બાળકો, 2 મહિલાઓ અને 3 પુરુષો સહિત કુલ 8 લોકોનાં મોત થયા છે. અહેવાલો અનુસાર મૃતકો ઓડિશાના રહેવાસી હતા. કારમાં સવાર લોકોને બચાવવાની શક્યતા વચ્ચે પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ તમામનાં મોત થયાં હતાં.
રેસ્ક્યુ ટીમે કાર બહાર કાઢી
ઘટનાની જાણ થતાં જ પોલીસ, પ્રશાસન અને રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ભારે પાણીના પ્રવાહ વચ્ચે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ટીમે ભારે મહેનત બાદ નાળામાંથી કાર બહાર કાઢી હતી. ત્યારબાદ મૃતદેહોને બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.
નાળાના તેજ પ્રવાહે સર્જી કરુણ દુર્ઘટના
અધિકારીઓના જણાવ્યા મુજબ, મંદિર નજીકના નાળામાં વરસાદ બાદ પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો હતો. આગર-માલવા જિલ્લા પ્રશાસન મુજબ છેલ્લા 24 કલાકમાં આશરે 37 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. અકસ્માત બાદ સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો હતો અને નાળા પર યોગ્ય વ્યવસ્થા તથા પુલ બનાવવાની માંગ ઉઠી હતી.
મૃતકોની ઓળખની પ્રક્રિયા
અકસ્મતમાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ અને પરિવારજનોને જાણ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પોલીસ અને પ્રશાસન સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યા છે. આ દુર્ઘટનાએ વરસાદી નાળાઓ નજીક સુરક્ષિત અવરજવર અને જરૂરી માળખાકીય સુવિધાઓ અંગે પણ સવાલો ઉભા કર્યા છે.

