VIDEO: રાજસ્થાનમાં 150 કિલો વિસ્ફોટકો સાથે કાર ઝડપાઈ, બે આરોપીઓની ધરપકડ

રાજસ્થાનના ટોંકમાં સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે. ટોંક-જયપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ 52 પર નાકાબંધી દરમિયાન જિલ્લા વિશેષ ટીમ દ્વારા એક કારમાંથી મોટી માત્રામાં વિસ્ફોટકો જપ્ત કર્યા. મારુતિ સિયાઝ કારમાંથી આશરે 150 કિલો એમોનિયમ નાઈટ્રેટ, 200 ખતરનાક વિસ્ફોટક બેટરીઓ અને સેફ્ટી ફ્યૂઝ વાયરના છ બંડલ (આશરે 1,100 મીટર વાયર) જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસે આ કેસમાં બે શંકાસ્પદોની ધરપકડ કરી તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ટોંકના ડીએસપી મૃત્યુંજય મિશ્રાએ કહ્યું કે એક મારુતિ સિયાઝ કારમાંથી આ વિસ્ફોટકનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે બે આરોપીઓને પકડીને પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં સમગ્ર દેશમાં 2025ની વિદાય અને નવા વર્ષ 2026ના આગમનને લઈને અનેક કાર્યક્રમ-પાર્ટી યોજાવાના છે જેના પગલે કોઈ અણગમતી ઘટના ન બને તેવા ઉદ્દેશ્યથી પોલીસે કડક હાથે પેટ્રોલિંગ-તપાસ શરૂ કરી દીધી છે.
ટોંક, રાજસ્થાનના ડીએસપી મૃત્યુંજય મિશ્રાએ જણાવ્યું હતું કે, એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં એક વાહનમાંથી વિસ્ફોટક 150 કિલો એમોનિયમ નાઈટ્રેટનો જથ્થો યુરિયા બેગમાં છુપાવવામાં આવ્યો હતો. તે જપ્ત કરાયો છે. સાથે બે આરોપીઓ (સુરેન્દ્ર અને સુરેન્દ્ર મોચી)ની ધરપકડ કરવામાં આવી છે. આ કેસના દરેક પાસાઓ પર વધુ તપાસ કરવામાં આવી રહી છે.

