દિલ્હીમાં તમામ રખડતા કૂતરાઓને 8 અઠવાડિયામાં પકડી લો, સુપ્રીમ કોર્ટનો આદેશ

દિલ્હી-એનસીઆર વિસ્તારમાં રખડતા કૂતરાઓનો આતંક અવારનવાર જોવા મળે છે. આ જ કારણ છે કે લોકો કૂતરાઓથી ભયભીત થઈને જીવવા માટે મજબૂર છે. કારણ કે ભૂતકાળમાં કૂતરાઓએ ઘણા લોકો પર હુમલો કર્યો છે. હવે સુપ્રીમ કોર્ટે આ મામલે મોટો આદેશ જારી કર્યો છે. આ આદેશ મુજબ દિલ્હી એનસીઆર વિસ્તારના તમામ રખડતા કૂતરાઓને પકડી લેવામાં આવશે. ત્યાર બાદ તેને સુરક્ષિત સ્થળોએ રાખવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં રખડતાં કૂતરાઓના હુમલાઓના કેસ મામલે સુઓમોટો અરજી પર સુનાવણી બાદ સરકાર, MCD અને NDMCને તાત્કાલિક ધોરણે તમામ રખડતાં કૂતરાઓને પકડવા આદેશ આપ્યા છે. કોર્ટે આદેશ આપતા કહ્યું કે, કૂતરાઓને પકડી તેમને શેલ્ટર હોમમાં રાખવામાં આવે. કોર્ટે એમ પણ કહ્યું છે કે આ કેસમાં કોઈ ભાવનાઓ માટે જગ્યા નથી કારણ કે લોકોની સુરક્ષા સૌથી મહત્ત્વપૂર્ણ છે. પકડવામાં આવેલા કૂતરાઓને કોઈ પણ પરિસ્થિતિમાં પાછા છોડવામાં આવશે નહીં. કોર્ટે આઠ સપ્તાહની અંદર આશરે 5 હજાર કૂતરાઓ માટે શેલ્ટર હોમ બનાવવાનો પણ આદેશ આપ્યો છે.
કૂતરા કરડવાની ફરિયાદના ચાર કલાકમાં તે કૂતરાને પકડવાનો નિર્દેશ
કૂતરાઓની ફરિયાદ ફરિયાદ કરવા માટે એક સપ્તાહમાં હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કૂતરા કરડવાની ફરિયાદ મળે તેના ચાર કલાકમાં તે કૂતરાને પકડી લેવાના નિર્દેશ પણ આપવામાં આવ્યા છે. આટલું જ નહીં કોર્ટે એમ પણ કહ્યું કે, કોઈ પણ વ્યક્તિ કે સંગઠન આ નિર્દેશોનું પાલન કરવામાં અવરોધ ઊભા કરશે તો તે કોર્ટની અવમાનના માનવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે આદેશ આપતા કહ્યું કે જે વિભાગ આ રખડતા કૂતરાઓને પકડશે તે એક દિવસમાં કેટલા રખડતા કૂતરા પકડાયા છે તેનો દૈનિક રેકોર્ડ રાખશે. કોર્ટે અધિકારીઓને તમામ વિસ્તારોને રખડતા કૂતરાઓથી મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે કોર્ટે કડક સ્વરમાં વિરોધ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ વાત કરી છે. જો કોઈ વ્યક્તિ કે સંગઠન રખડતા કૂતરાઓને પકડવામાં અવરોધ ઉભો કરશે, તો અમે તેની સામે કાર્યવાહી કરીશું.

