‘હું જહાજ નહીં છોડું’: સાથીઓને ઉગાર્યા, ઈરાની ગોળીબાર વચ્ચે કેપ્ટન આશિષે બજાવી ફરજ!

જ્યારે સમુદ્રમાં મોજાં ઉછળતા હોય અને ચારેબાજુ અનિશ્ચિતતાનો અંધકાર હોય, ત્યારે જ સાચા નેતૃત્વની કસોટી થાય છે. ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવના કારણે હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) માં ફસાયેલા ભારતીય જહાજો વચ્ચેથી એક એવી ગાથા સામે આવી છે, જે સાહસ અને કર્તવ્યનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ ગાથા છે ઉત્તરાખંડના રૂડકીના રહેવાસી કેપ્ટન આશિષ શર્માની.
કર્તવ્ય ખાતર પોતાનો વારો જતો કર્યો
છેલ્લા 45 દિવસથી હોર્મુઝની ખાડીમાં ઈરાની દળો અને યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ફસાયેલા કેપ્ટન આશિષ શર્મા પાસે વતન પરત ફરવાની તક હતી. ઈરાને જ્યારે થોડી છૂટછાટ આપી, ત્યારે કેપ્ટન ઈચ્છતા તો પોતે પહેલા ભારત આવી શકતા હતા. પરંતુ, તેમણે ‘સેલ્ફીશ’ બનવાને બદલે ‘કેપ્ટન’ બનવાનું પસંદ કર્યું. તેમણે જહાજ પરના 24 ક્રૂ મેમ્બરોમાંથી 12 મેમ્બરોને સુરક્ષિત રીતે ભારત રવાના કરી દીધા અને પોતે જહાજ પર જ ડટી રહ્યા.
‘છેલ્લો સાથી ન પહોંચે ત્યાં સુધી પોસ્ટ નહીં છોડું’
કેપ્ટન આશિષે એક વીડિયો સંદેશ અને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "જહાજ પર હાજર દરેક સભ્યની સુરક્ષા એ કેપ્ટનની પ્રથમ જવાબદારી છે. જ્યાં સુધી મારો છેલ્લો સાથી સુરક્ષિત રીતે તેના ઘરે નહીં પહોંચે, ત્યાં સુધી હું મારી પોસ્ટ છોડી શકું નહીં." તેમણે વધુમાં ઉમેર્યું કે બાકીના 12 ક્રૂ મેમ્બરોને પણ પરત મોકલવા માટે કંપની પ્રયાસ કરી રહી છે. આ પ્રક્રિયામાં હજુ દોઢ મહિના જેટલો સમય લાગી શકે છે, પરંતુ આશિષ શર્મા અડગ છે.
હોર્મુઝમાં હજુ પણ તણાવપૂર્ણ સ્થિતિ
હોર્મુઝ જલડમરુમધ્યમાં સ્થિતિ હજુ પણ નાજુક છે. ઈરાને તાજેતરમાં જ બે ભારતીય જહાજો પર ફાયરિંગ કર્યું હતું, જેના કારણે અનેક જહાજોએ યુ-ટર્ન લેવો પડ્યો હતો. જોકે, આ સંકટ વચ્ચે પણ ભારતીય જહાજ 'દેશ ગરિમા' સફળતાપૂર્વક આ માર્ગ પસાર કરવામાં સફળ રહ્યું છે. માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં આ માર્ગ પસાર કરનારું આ 10મું ભારતીય જહાજ છે.
ભારત માટે કેમ મહત્વનું છે આ રૂટ?
ભારત તેની જરૂરિયાતનું 90 ટકા ગેસ અને મોટો હિસ્સો ક્રૂડ ઓઈલ આ જ દરિયાઈ માર્ગેથી મંગાવે છે. જો અહીં તણાવ વધે તો ભારતમાં ઈંધણના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે. આવી કપરી પરિસ્થિતિમાં કેપ્ટન આશિષ જેવા યોદ્ધાઓ દરિયાની વચ્ચે ભારતનો તિરંગો અને ભારતીયોની સુરક્ષા કાજે લડી રહ્યા છે.
પરિવાર અને ક્રૂ મેમ્બરોમાં ગર્વની લાગણી
કેપ્ટન આશિષે જે 12 ક્રૂ મેમ્બરોને ભારત મોકલ્યા, તેમણે વતન પહોંચતા જ પોતાના કેપ્ટનનો આભાર માન્યો હતો. રૂડકીમાં રહેતા તેમના પરિવારજનો પણ આશિષના આ નિર્ણયથી ગર્વ અનુભવી રહ્યા છે. મુશ્કેલ સમયમાં પોતાની ચિંતા કર્યા વગર અન્યોની રક્ષા કરવી એ જ ભારતીય સંસ્કાર અને નેવીની પરંપરા રહી છે.

