કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવી શકશે કે નહીં? LGએ કહી દીધી આ મોટી વાત

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાંથી સરકાર નહીં ચલાવી શકે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ આ વાત સ્પષ્ટ કહી દીધી છે. કથિત દારૂ કૌભાંડમાં ધરપકડ બાદ કેજરીવાલે રાજીનામું આપવાનો ઈન્કાર કરી દીધો હતો અને કહ્યું હતું કે તેઓ જેલમાંથી જ સરકાર ચલાવશે. હવે એલજી વીકે સક્સેનાના જવાબ બાદ દિલ્હી સરકાર અને રાજભવન વચ્ચે વિવાદ વધી શકે છે. સરકારનું કામ કેવી રીતે આગળ વધશે તે જોવું પણ રસપ્રદ બન્યું છે.
એલજી વીકે સક્સેનાએ એક સમાચાર ચેનલની સમિટમાં કહ્યું, 'હું દિલ્હીના લોકોને ખાતરી આપી શકું છું કે સરકાર જેલમાંથી નહીં ચાલે.' કાર્યક્રમ દરમિયાન લેફ્ટનન્ટ ગવર્નરને પૂછવામાં આવ્યું હતું કે શું દિલ્હી સરકાર હવે જેલમાંથી ચાલશે? સક્સેનાએ આનો સ્પષ્ટ જવાબ આપ્યો. સમાચાર લખાય છે ત્યાં સુધી આમ આદમી પાર્ટી તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આવી નહોતી. એલજીના તાજેતરના વલણથી દિલ્હી સરકાર અને રાજભવન વચ્ચે વિવાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે. આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે જો જરૂર પડે તો જેલમાંથી સરકાર ચલાવવા માટે કોર્ટનો સહારો લેવાઈ શકે છે.
21 માર્ચે ધરપકડ કરાયેલા અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે તેઓ રાજીનામું નહીં આપે અને જેલમાંથી જ સરકાર ચલાવશે. દિલ્હીના મુખ્યમંત્રીને 28 માર્ચ સુધી ED કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. 'જેલમાંથી સરકાર'ની દિશામાં એક પગલું ભરતા, તેમણે પાણી અને આરોગ્ય વિભાગને EDની કસ્ટડીમાંથી બે સૂચનાઓ પણ જારી કરી હતી. જો કે, ભાજપે આ અંગે એલજીને ફરિયાદ કરી છે અને સૂચનાઓને નકલી ગણાવી છે. EDના સૂત્રોએ એમ પણ કહ્યું છે કે કેજરીવાલને કસ્ટડીમાં કોઈપણ ફાઇલ પર સહી કરવાની મંજૂરી નથી.
એલજીની મંજૂરી કેમ જરુરી
કેટલાક નિષ્ણાતો જેલમાંથી સરકાર ચલાવવા માટે એલજીની મંજૂરી સૌથી મહત્ત્વની ગણાવી રહ્યા છે. જેલમાંથી સરકાર ચલાવવામાં આવતી વ્યવહારિક મુશ્કેલીઓ અંગે બંધારણીય નિષ્ણાતોએ કહ્યું હતું કે, જો એલજી ઈચ્છે તો કોઈપણ બિલ્ડિંગને જેલ જાહેર કરી શકે છે અને કેજરીવાલને ત્યાં રાખી શકાય છે. કેજરીવાલ અહીંથી સરકારી કામ પણ જોઈ શકશે. જોકે, એલજીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આવું કરવાના નથી.

