રાજ્યસભાની 5 સીટો માટે પેટાચૂંટણી જાહેર, જમ્મુ કાશ્મીર અને પંજાબની બેઠકો પર આ તારીખે થશે ચૂંટણી

ભારતીય ચૂંટણી પંચે રાજ્યસભાની પેટાચૂંટણીઓની જાહેરાત કરી છે. ચૂંટણી પંચે પંજાબમાં એક અને જમ્મુ અને કાશ્મીરમાં ચાર ખાલી બેઠકની ચૂંટણીની તારીખો જાહેર કરી છે. પંજાબમાં એક અને જમ્મુ અને કાશ્મીરમાં ચાર ખાલી બેઠકો ઉપર 24 ઓક્ટોબર, 2025 ના રોજ પેટાચૂંટણીઓ યોજાશે. સાંસદ સંજીવ અરોરાના રાજીનામા બાદ પંજાબ બેઠક ખાલી પડી હતી. જ્યારે જમ્મુ કાશ્મીરમાં વર્ષ 2019માં કલમ 370 નાબૂદ થતાં ચાર બેઠકો ખાલી છે. ચારેય બેઠકો વર્ષ 2021થી ખાલી છે.
ચૂંટણી પંચે 24 સપ્ટેમ્બર, 2025ના રોજ જાહેરનામું બહાર પાડીને પેટાચૂંટણીની જાહેરાત કરી છે. પેટાચૂંટણીનું જાહેરનામું 6 ઓક્ટોબર, 2025 ના રોજ બહાર પાડવામાં આવશે. 13 ઓક્ટોબર સુધીમાં નામાંકન દાખલ કરવાનું રહેશે. 16 ઓક્ટોબર સુધીમાં નામાંકન પરત ખેંચી શકાશે. 24 ઓક્ટોબરે સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. 24 ઓક્ટોબરની સાંજે મત ગણતરી થયા બાદ નવા રાજ્યસભા સાંસદની જાહેરાત કરવામાં આવશે.
નોંધનીય છે કે રાજ્યસભામાં પંજાબની એક બેઠક ખાલી થઈ છે. જેની પેટાચૂંટણી યોજાશે. સંજીવ અરોરાના રાજીનામા બાદ પંજાબના રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે અરવિંદ કેજરીવાલ અથવા મનીષ સિસોદિયાને પંજાબથી રાજ્યસભામાં મોકલી શકાય છે. જોકે, અરવિંદ કેજરીવાલે તાજેતરમાં સાંસદ બનવાની ના પાડતા તેમની રાજ્યસભાની ઉમેદવારીની અટકળોનો અંત આવ્યો હતો.

