હિમાચલના બિલાસપુરમાં ભૂસ્ખલન થતા 18 લોકોના મોત, પહાડ પરથી બસ પર પડ્યો કાટમાળ

હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં ભૂસ્ખલનને કારણે 18 લોકોના મોત થયા છે. ભૂસ્ખલન થતા એક બસ પર કાટમાળ પડ્યો હતો જેમાં 30 મુસાફર સવાર હતા. ભૂસ્ખલનનો કાટમાળ બસ પર પડતા મુસાફરો તેની નીચે દબાઇ ગયા હતા. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આ ઘટનાને લઇને રાષ્ટ્રપતિ અને PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું છે.
18 મૃતદેહોને બહાર કઢાયા
JCBની મદદથી બસને તોડીને મુસાફરોને બહાર કાઢવા પડ્યા હતા. જેમાં અત્યાર સુધીમાં 18 મૃતદેહોને બહાર કઢાયા હતા, જ્યારે 2 બાળકોને જીવતા બહાર કઢાયા હતા. બસમાં આશરે 30 મુસાફરો સવાર હતા. મૃતકઆંક વધી શકે છે.
આખી રાત રેસ્ક્યૂ ઓપરેશન ચાલશે
આસપાસના લોકો પણ રાહત અને બચાવ કામગીરીમાં લાગ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે, બચાવ કામગીરી આખી રાત ચાલુ રહેશે અને જલ્દીથી ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.
મુખ્યમંત્રી સુક્ખૂએ દુઃખ વ્યક્ત કર્યું
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂએ બસ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને રાહત કામગીરીમાં ઝડપ લાવવાના નિર્દેશ આપ્યા છે. તેમણે મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા દિવંગત આત્માઓની શાંતિ માટે ઇશ્વરને પ્રાર્થના કરી છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર આ દુઃખના સમયમાં પીડિત પરિવારોની સાથે મજબૂતીથી ઉભી છે અને તેમણે શક્ય તમામ મદદ પ્રદાન કરાશે.
રાષ્ટ્રપતિ- PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું
હિમાચલમાં ભૂસ્ખલનની ઘટના પર રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું હતું.
રાષ્ટ્રપતિએ X પર પોસ્ટ કરતા લખ્યુ, 'બિલાસપુર, હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનને કારણે થયેલી બસ દુર્ઘટનામાં કેટલાક લોકોના મોતના સમાચાર અત્યંત દુખદ છે. પોતાના પ્રિયજનોને ગુમાવનારા પરિવાર પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરૂ છું અને ઘાયલ થયેલા લોકોના જલદી સ્વસ્થ થવાની પ્રાર્થના કરૂ છું.'
વડાપ્રધાન મોદીએ કહ્યું, 'હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં બનેલી દુર્ઘટનામાં જાનહાનિથી દુ:ખી છું. આ કઠિન સમયમાં મારી સંવેદનાઓ દુર્ઘટનામાં પ્રભાવિત લોકો અને તેમના પરિવારો સાથે છે. ઘાયલોના જલદી સ્વસ્થ થવાની પ્રાર્થના કરૂ છું.'
આ સાથે જ PM મોદીએ કહ્યું, 'દુર્ઘટનામાં પ્રભાવિત થયેલા દરેક મૃતકના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષ (PMNRF)માંથી 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.'

