'જજ સાહેબ, મારી ઉપર લગાવેલા તમામ આરોપ....'કોર્ટમાં હાજર થયેલા બ્રિજભૂષણે કહી આ વાત

મહિલા કુસ્તીબાજોના યૌન શોષણના કેસમાં આરોપો ઘડ્યા બાદ મંગળવારે બીજેપી નેતા બ્રિજ ભૂષણ સિંહ પ્રથમ વખત રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર થયા હતા. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં મંગળવારે મહિલા કુસ્તીબાજો દ્વારા દાખલ કરાયેલા ફોજદારી કેસમાં ભાજપના સાંસદ અને ભૂતપૂર્વ રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા (WFI)ના વડા બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે જાતીય સતામણી, ધાકધમકી અને મહિલાઓની ગરિમાને ઠેસ પહોંચાડવાના આરોપો ઘડ્યા છે. કોર્ટે ફરિયાદી પક્ષને આરોપીઓ સામે કેસ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટમાંથી બહાર આવ્યા બાદ બ્રિજ ભૂષણે કહ્યું કે હું મારી નિર્દોષતાનો પુરાવો આપી ચૂક્યો છું.
એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પ્રિયંકા રાજપૂત સમક્ષ હાજર થયેલા આરોપીઓએ જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમનો ગુનો કબૂલ કરવાનો ઇનકાર કર્યો. ભૂલ કરી નથી તો ગુનો શા માટે સ્વિકારું એમ કહી પોતાને નિર્દોષ બતાવતા ટ્રાયલનો સામનો કરવાની તૈયારી બતાવી. સહ-આરોપી અને WFIના પૂર્વ સહાયક સચિવ વિનોદ તોમર સામે ગુનાહિત ધાકધમકીનો આરોપ પણ ઘડવામાં આવ્યો છે.
કોર્ટમાંથી બહાર આવ્યા બાદ પત્રકારોના સવાલોના જવાબ આપતા બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું કે મારી સામે હમણાં જ આરોપ ઘડવામાં આવ્યો છે, હવે પોલીસે આરોપો સાબિત કરવાના છે. મારી પાસે મારી નિર્દોષતાના પૂરતા પુરાવા છે. બ્રિજ ભૂષણે પોતાની ટિકિટ કપાઈ જવાના સવાલ પર કહ્યું કે મારા દીકરાને ટિકિટ મળી ગઈ છે.

