બિહારમાં ભાજપના પહેલા મુખ્યમંત્રીનો પ્લાન ફાઈનલ, 15 એપ્રિલે શપથ લેશે નવી NDA સરકાર

બિહારના રાજકારણમાં એક ઐતિહાસિક વળાંક આવ્યો છે. રાજ્યમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીની તાજપોશી થવા જઈ રહી છે. આ અંગેનો સંપૂર્ણ રોડમેપ તૈયાર થઈ ચૂક્યો છે. 15 એપ્રિલના રોજ નવી NDA સરકાર શપથ લેશે. બિહારમાં ભાજપના નેતૃત્વમાં પ્રથમ વખત NDA સરકાર બનવા જઈ રહી છે. નવા મુખ્યમંત્રીની પસંદગી માટે મંગળવારે બેઠકોનો દોર ચાલશે. આવતી કાલે બપોરે 2:00 વાગ્યે જેડીયુ (JDU) ધારાસભ્ય દળની બેઠક મુખ્યમંત્રી આવાસ પર મળશે. નીતીશ કુમાર હવે સાંસદ બની ગયા હોવાથી પાર્ટી તેમના સ્થાને નવા નેતાની પસંદગી કરશે.
ત્યારબાદ બપોરે 3:00 વાગ્યે ભાજપ કાર્યાલય ખાતે ધારાસભ્ય દળની બેઠક યોજાશે. કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ નિરીક્ષક તરીકે હાજર રહેશે અને નવા નેતાના નામની જાહેરાત કરશે. સાંજે 4:00 વાગ્યે બિહાર વિધાનમંડળના સેન્ટ્રલ હોલમાં સમગ્ર NDA ધારાસભ્ય દળની બેઠક મળશે. આ બેઠકમાં નવા મુખ્યમંત્રીના નામ પર અંતિમ મહોર મારવામાં આવશે.
કોના શીરે હશે બિહારના નવા મુખ્યમંત્રીનો તાજ?
મુખ્યમંત્રી પદની રેસમાં હાલમાં વર્તમાન ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. આ સિવાય નિત્યાનંદ રાય, વિજય સિન્હા અને રેણુ દેવી જેવા નામોની પણ ચર્ચા છે. જોકે, અંતિમ નિર્ણય દિલ્હીથી આવેલા નિરીક્ષકો દ્વારા જાહેર કરવામાં આવશે.
શપથ ગ્રહણની તૈયારીઓ
15મી એપ્રિલના રોજ નવી સરકારની શપથ વિધિ યોજાય તેવી સંભાવના છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અથવા ગૃહમંત્રી અમિત શાહ હાજર રહે તેવી શક્યતા છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચારને ધ્યાનમાં રાખીને સમય નક્કી કરવામાં આવશે. નીતીશ કુમારે વિધાન પરિષદમાંથી રાજીનામું આપી દીધું છે અને તેઓ રાજ્યસભા સાંસદ બન્યા હોવાથઈ જેડીયુએ નવા નેતાની પસંદગી કરવી અનિવાર્ય બની છે.

