કર્ણાટકમાં ભાજપે અભિનેતા શિવરાજકુમારની ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા ચૂંટણી પંચને કરી વિનંતી, જાણો શું છે કારણ

ભારતીય જનતા પાર્ટી (BJP)એ શુક્રવારે ચૂંટણી પંચને અભિનેતા શિવરાજકુમારની ફિલ્મ, જાહેરાત અને હોર્ડિંગ્સના પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવાની વિનંતી કરી છે.
ભાજપે દાવો કર્યો છે કે અભિનેતા લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસની તરફેણમાં પ્રચાર કરી રહ્યો છે.
શિવરાજકુમારની પત્ની ગીતા શિવરાજકુમાર શિવમોગા લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર છે અને અભિનેતા આ અઠવાડિયાની શરૂઆતમાં તેમના માટે પ્રચાર કરતા જોવા મળ્યા હતા.
ચૂંટણી પંચને લખેલા પત્રમાં, BJP OBC મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને પાર્ટીના વરિષ્ઠ નેતા આર રઘુએ જણાવ્યું હતું કે શિવરાજકુમાર રાજ્યમાં એક અગ્રણી વ્યક્તિ છે અને હાલમાં કોંગ્રેસ પાર્ટી માટે રાજ્યવ્યાપી પ્રચાર કરી રહ્યા છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે અભિનેતા પોતાના સિનેમા કામ દ્વારા લોકો પર સારો પ્રભાવ ધરાવે છે.
તેમણે કહ્યું કે અભિનેતાના પ્રભાવ અને લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને, ચૂંટણી પંચે સિનેમા હોલ, ટેલિવિઝન ચેનલો, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને સ્થાનિક સંસ્થાઓને આદેશ કરવા જોઈએ કે તેઓ ચૂંટણી સુધી તેમની કોઈપણ ફિલ્મ, જાહેરાતોને પ્રદર્શિત કરવાથી અટકાવે.
કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારી મનોજ કુમાર મીણાએ જણાવ્યું હતું કે પત્રના અનુસંધાને તપાસ કરી રહ્યા છીએ.

