ભાજપ નેતા રાજનાથ સિંહે કહ્યું 'પાકિસ્તાની નેતા દ્વારા રાહુલ ગાંધીના વખાણ ચિંતાજનક'

પાકિસ્તાનના ભૂતપૂર્વ મંત્રી ચૌધરી ફવાદ હુસૈન 2019માં પુલવામા આતંકવાદી હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાનો દાવો કરીને ચર્ચામાં આવ્યા હતા. તેને રાહુલ ગાંધીના ભાષણનો એક અંશ સોશિયલ મીડિયા પર 'રાહુલ ઓન ફાયર' કેપ્શન સાથે પોસ્ટ કર્યો હતો. આ અંગે ભાજપે આકરી પ્રતિક્રિયા આપી છે.
એક પાકિસ્તાની નેતાએ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના વખાણ કર્યા ત્યારે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સવાલો ઉઠાવ્યા હતા. તેમને કહ્યું કે પાકિસ્તાનના પૂર્વ મંત્રી ચૌધરી ફવાદ હુસૈન દ્વારા રાહુલ ગાંધીના વખાણ ખૂબ જ ચિંતાનો વિષય છે. તેમણે આ અંગે કોંગ્રેસ પાસે સ્પષ્ટતાની માંગ કરી છે. રાજનાથ સિંહે કહ્યું કે જે દેશ ભારતને અસ્થિર કરી રહ્યો છે તે રાહુલ ગાંધીના વખાણ કરી રહ્યો છે, કોંગ્રેસે આના પર સ્પષ્ટતા કરવી જોઈએ.
કોંગ્રેસ પર ઉઠ્યા પ્રશ્નો
એક ઈન્ટરવ્યુમાં રાજનાથ સિંહે કોંગ્રેસના પાકિસ્તાન સાથેના સંબંધો પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમને કહ્યું, "જે દેશ ભારતને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યો છે તેના પ્રત્યેના આ પ્રેમ પાછળ કંઈક કારણ હોવું જોઈએ. આ ખૂબ જ ચિંતાનો વિષય છે અને ભારત આ પ્રેમ પાછળનું કારણ જાણવા માંગે છે."
રક્ષા મંત્રી રાજનાથ સિંહને પૂછવામાં આવ્યું કે પાકિસ્તાન ભારતીય ચૂંટણીઓને પ્રભાવિત કરવામાં કેટલું સફળ રહ્યું છે. તેમને કહ્યું, "પાકિસ્તાનમાં અમારી ચૂંટણીને પ્રભાવિત કરવાની કોઈ શક્તિ નથી."

