VIDEO : 'પશ્ચિમ બંગાળમાં હિંસા રોકવાની ચૂંટણી પંચની જવાબદારી, ભાજપ કરી રહ્યું છે ગુંડાગીરી' : કુણાલ ઘોષ
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામો બાદ ફાટી નીકળેલી હિંસા અને રાજકીય ગરમાવા વચ્ચે તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના નેતા કુણાલ ઘોષે ભાજપ અને ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામો બાદ રાજ્યના વિવિધ ભાગોમાં હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. આ પરિસ્થિતિ અંગે પ્રતિક્રિયા આપતા TMC નેતા કુણાલ ઘોષે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં શાંતિ જાળવવાની સંપૂર્ણ જવાબદારી હવે ચૂંટણી પંચની છે.
ભાજપ પર આકરા પ્રહાર
કુણાલ ઘોષે આક્ષેપ કર્યો હતો કે ભાજપ દ્વારા સુનિયોજિત રીતે હુમલા કરવામાં આવી રહ્યા છે. ભાજપ હુમલા કરી રહ્યું છે, એક આખી ગેંગ ખુલ્લેઆમ ફરી રહી છે. તેમના નેતાઓના નિવેદનો અને જમીની હકીકત વચ્ચે મોટો તફાવત છે. લોકો જીવ ગુમાવી રહ્યા છે અને પાર્ટી ઓફિસો પર કબજો કરવામાં આવી રહ્યો છે. આ લોકશાહી માટે બિલકુલ યોગ્ય નથી.
તેમણે ભૂતકાળને યાદ કરતા ઉમેર્યું કે, 2011માં જ્યારે મમતા દીદી સત્તામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે અમારે 'બદલા' નહીં પણ 'બદલાવ' જોઈએ છે. તે સમયે CPI(M)ની એક પણ ઓફિસ પર હુમલો થયો નહોતો. પરંતુ અત્યારે TMC પર જે હુમલા થઈ રહ્યા છે તે આયોજિત કાવતરું છે.
રાજ્યમાં થયેલી તોડફોડ અંગે નારાજગી વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, બુલડોઝરનો ઉપયોગ એ કોઈ સકારાત્મક સંકેત નથી. ગઈકાલે બુલડોઝર ચલાવવામાં આવ્યા અને પાર્ટી ઓફિસમાં તોડફોડ કરવામાં આવી. આ લોકશાહીની વિરુદ્ધ છે.
મમતા બેનર્જીના રાજીનામા અંગે સ્પષ્ટતા
મુખ્યમંત્રી મમતા બેનર્જીના રાજીનામાના ઇનકાર અંગે વાત કરતા કુણાલ ઘોષે જણાવ્યું હતું કે, મમતા દીદી રાજીનામું આપવાના નથી. તેમનો આ નિર્ણય ચૂંટણી પંચ દ્વારા ગણતરીના દિવસે કરવામાં આવેલી કથિત ગેરરીતિઓ સામેનો એક 'સાંકેતિક વિરોધ' છે. ચૂંટણી પંચે પરિણામોમાં હેરાફેરી કરીને પરિણામો બદલી નાખ્યા છે. મમતા દીદીનો આ વિરોધ તે અન્યાય સામે અવાજ ઉઠાવવાની એક રીત છે. હવે પછીના તમામ પગલાં પક્ષ પ્રમુખ મમતા બેનર્જીની સૂચના મુજબ લેવામાં આવશે.
પશ્ચિમ બંગાળની આ સ્થિતિએ હાલ દેશભરમાં ચર્ચા જગાવી છે, જ્યાં એક તરફ હિંસાના અહેવાલો છે તો બીજી તરફ સત્તાધારી પક્ષ અને વિપક્ષ સામસામે આક્ષેપબાજી કરી રહ્યા છે.

