બિહાર ચૂંટણી બાદ BJPની હવે BMC પર નજર, મુંબઈ એકમમાં ચાર નવા મહામંત્રીઓની કરી નિમણૂંક

બિહાર વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થતાં શાસક ભાજપે તેનું ધ્યાન આગામી વર્ષે યોજાનારી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ચૂંટણીઓ પર કેન્દ્રિત કર્યું છે. ભાજપે અત્યારથી જ મુંબઈમાં સત્તા માટે મોટા સંગઠનાત્મક ફેરફાર કર્યા છે. મહારાષ્ટ્રમાં સત્તા ધરાવતા ભાજપે તેના મુંબઈ એકમમાં ચાર નવા મહામંત્રીઓની નિમણૂક કરી છે. નવા મહામંત્રીઓમાં રાજેશ શિરવાડકર, ગણેશ ખાપરકર, આચાર્ય પવન ત્રિપાઠી અને શ્વેતા પારુલેકરનો સમાવેશ થાય છે. આ નિમણૂકો ભાજપ મુંબઈ એકમના પ્રમુખ અને ધારાસભ્ય અમિત સાટમે કરી છે.
જાન્યુઆરી 2026માં BMC (બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન)ની ચૂંટણીઓ યોજાવાની છે. સ્થાનિક બધી પાર્ટીઓએ પૂરજોશથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્યનું શાસક ગઠબંધન, મહાયુતિ સાથે મળીને ચૂંટણી લડવાની વાત કરી રહ્યું છે, જ્યારે વિપક્ષ મહા વિકાસ આઘાડી (MVA) ગઠબંધન આ મુદ્દે હજુ એકજૂથ નથી. બે દિવસ પહેલા જ મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા વિજય વાડેટ્ટીવારે સોમવારે મીડિયાને જણાવ્યું હતું કે, તેમનો પક્ષ BMCની ચૂંટણીઓ સ્વતંત્ર રીતે લડશે.
તેમણે કહ્યું, BMC ના નેતાઓએ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ સ્વતંત્ર રીતે લડવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય સ્થાનિક સ્તરે હાઇકમાન્ડ સાથે ચર્ચા કર્યા પછી લેવામાં આવ્યો છે. અમને BMCમાં હંમેશા 30થી 35 બેઠકો મળે છે. શાસક ભાજપની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધનમાં સામેલ ત્રણેય પક્ષો પણ અલગથી ચૂંટણી લડી રહ્યા છે. જોકે તેમણે એમ પણ કહ્યું કે જો સમાન વિચારધારા ધરાવતા પક્ષો તરફથી કોઈ પ્રસ્તાવ આવશે તો તેના પર વિચાર કરવામાં આવશે.

