VIDEO: "બિહારની તિજોરી ખાલી થઈ ગઈ! પૂર પહેલાં જ 4,000 કરોડ ગાયબ?" તેજસ્વી યાદવે PM મોદીને લખ્યો પત્ર
બિહારમાં પૂરના કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ વચ્ચે રાજકારણ પણ ગરમાયું છે. રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વરિષ્ઠ નેતા તેજસ્વી યાદવે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરતાં દાવો કર્યો છે કે બિહારનું સરકારી ખાતું સંપૂર્ણપણે ખાલી થઈ ગયું છે. આ ગંભીર મુદ્દે તેમણે સીધા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને બિહારના પૂરને ‘રાષ્ટ્રીય આફત’ જાહેર કરવાની તેમજ તાત્કાલિક ₹૫,૦૦૦ કરોડનું વિશેષ પેકેજ ફાળવવાની માંગણી કરી છે.
"કટોકટી ફંડમાંથી ₹4,000 કરોડ ઉપાડી લેવાયા"
પટના ખાતે પત્રકારો સાથે વાતચીત કરતાં તેજસ્વી યાદવે જણાવ્યું કે, “મેં દેશના વડાપ્રધાનને એક વિગતવાર પત્ર લખ્યો છે. આપ સૌ જાણો છો કે હાલ બિહારની તિજોરી તળિયાઝાટક થઈ ગઈ છે. હું આ મુદ્દો સતત ઉઠાવી રહ્યો છું કે બિહાર સરકારે જૂન મહિનામાં પૂર આવે તે પહેલાં જ નિયમિત યોજનાઓ અને પેન્શન ચૂકવવા માટે પણ કંટીજન્સી ફંડ (આકસ્મિક નિધિ)માંથી ₹4,000 કરોડ જેટલી માતબર રકમ ઉપાડી લીધી હતી.”
પૂર પીડિતો મુશ્કેલીમાં હોવાનો આક્ષેપ
તેમણે આગળ આક્ષેપ કરતાં કહ્યું કે જે રકમ કટોકટી કે આફત સામે રક્ષણ માટે હોવી જોઈતી હતી તે પહેલાં જ વાપરી નખાતાં હવે તેનો ભોગ નિર્દોષ પૂર પીડિતો બની રહ્યા છે. લોકો મુશ્કેલી અને હાલાકી ભોગવી રહ્યા છે, વહીવટીતંત્ર તરફથી કોઈ નક્કર સહાય મળતી નથી, જેથી લાચાર બનીને વડાપ્રધાન સમક્ષ રજૂઆત કરવી પડી છે.
પત્રમાં 7 મુખ્ય માંગણીઓ રજૂ કરી
તેજસ્વી યાદવે જણાવ્યું કે તેમણે વડાપ્રધાનને લખેલા પત્રમાં મુખ્ય 7 માંગણીઓ સમાવી છે. તેમની પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ માંગ એ છે કે બિહારમાં આવેલા આ ભયાનક પૂરને તાત્કાલિક અસરથી ‘રાષ્ટ્રીય આપત્તિ’ જાહેર કરવામાં આવે. આ સાથે જ રાહત, બચાવ અને પુનર્વસન કાર્યોને ઝડપથી આગળ ધપાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા બિહારને તાત્કાલિક ધોરણે ₹5,000 કરોડનું વિશેષ નાણાકીય પેકેજ મંજૂર કરવામાં આવે.

