VIDEO : દિલ્હી સત્ય નિકેતન દુર્ઘટનામાં મોટો ખુલાસો! 81 વર્ષના માલિક, પત્ની અને પુત્રની ધરપકડ; PG ઓપરેટર અને કોન્ટ્રાક્ટર ફરાર!

દિલ્હી યુનિવર્સિટીના સાઉથ કેમ્પસ નજીક આવેલા સત્ય નિકેતન વિસ્તારમાં પીજી (PG) તરીકે વપરાતી બહુમાળી ઇમારત ધરાશાયી થવાની ગંભીર ઘટનામાં દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ દર્દનાક દુર્ઘટનામાં 7 નિર્દોષ વિદ્યાર્થીઓના મોત બાદ પોલીસે બિલ્ડિંગના માલિકો અને લાભાર્થી એવા એક જ પરિવારના ત્રણ સભ્યોની ધરપકડ કરી લીધી છે. આ સાથે ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી પૂર્ણ જાહેર કરવામાં આવી છે.
પરિવારના ત્રણ સભ્યોની ધરપકડ
દિલ્હી પોલીસે સત્તાવાર માહિતી આપતાં જણાવ્યું કે, કેસની તપાસ બાદ મિલકતના માલિક અને તેના સંચાલન સાથે સંકળાયેલા હરિરામ ગુપ્તા (ઉંમર 81 વર્ષ), તેમની પત્ની ઉર્મિલા ગુપ્તા (ઉંમર 75 વર્ષ) અને તેમના પુત્ર મહેશ ગુપ્તા (ઉંમર 52 વર્ષ)ની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે જે ઇમારત ધરાશાયી થઈ તે કાગળ પર ઉર્મિલા ગુપ્તાના નામે નોંધાયેલી છે. જોકે, સમગ્ર બિલ્ડિંગનું સંચાલન અને દેખરેખ તેમના પતિ હરિરામ ગુપ્તા અને પુત્ર મહેશ ગુપ્તા કરતા હતા. હરિરામ ગુપ્તા ભારતીય વાયુસેનાના નિવૃત્ત સાર્જન્ટ છે અને બિલ્ડિંગના બે માળના વીજળી કનેક્શન તેમના નામે છે. જ્યારે તેમનો પુત્ર મહેશ ગુપ્તા હાર્ડવેર અને કલરકામની દુકાન ચલાવે છે.
PG સંચાલક અને લેબર કોન્ટ્રાક્ટર સામે તપાસ શરૂ
પોલીસે વધુમાં જણાવ્યું કે આ કેસમાં માત્ર મકાનમાલિકો જ નહીં, પરંતુ ગેરકાયદે પીજી ચલાવનારા સંચાલકો (PG operators) અને રિપેરિંગ કામ કરી રહેલા લેબર કોન્ટ્રાક્ટરની ભૂમિકા પણ શંકાના દાયરામાં છે. હાલ પોલીસની ટીમો આ ફરાર પીજી ઓપરેટર્સ અને કોન્ટ્રાક્ટરને પકડવા માટે વિવિધ સ્થળોએ દરોડા પાડી રહી છે. તેમની સંડોવણી અને લાપરવાહી સામે આવતાં તેમની સામે પણ કડક કાનૂની પગલાં લેવામાં આવશે.
રેસ્ક્યૂ ઓપરેશન પૂર્ણ: 7 ના કરુણ મોત, 12 લોકો બહાર કઢાયા
બચાવ એજન્સીઓ (NDRF, ફાયર બ્રિગેડ અને પોલીસ) દ્વારા ઘટનાસ્થળે હાથ ધરાયેલું બચાવ અભિયાન હવે પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. કાટમાળમાંથી કુલ 12 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાંથી 7 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે બાકીના ઇજાગ્રસ્તો સારવાર હેઠળ છે. પોલીસે તમામ મૃતકોના પાર્થિવ દેહનું પોસ્ટમોર્ટમ કરાવીને તેમના શોકગ્રસ્ત પરિવારોને સોંપી દીધા છે. સમગ્ર વિસ્તારમાં ગેરકાયદે અને જર્જરિત પીજી સામે હવે વહીવટી તંત્ર વધુ કડક પગલાં ભરે તેવી માંગ ઉઠી રહી છે.

