રામ મંદિરમાં રસીદ વિના દાન અને VIP દર્શનનો મોટો વિવાદ; ટ્રસ્ટના કર્મચારીઓની મનમાની સામે ચોંકાવનારા આક્ષેપો

અયોધ્યામાં બનેલું ભવ્ય રામ મંદિર વિશ્વભરના હિન્દુઓના આસ્થાનું કેન્દ્ર છે. દેશ-વિદેશમાંથી આવેલા લાખો ભક્તો રામ લલ્લાના દર્શન માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહે છે. પરંતુ, તાજેતરમાં જ રામ મંદિરના સંચાલન અને દર્શન વ્યવસ્થાને લઈને કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે, જેણે ભક્તો અને પ્રશાસનમાં ખળભળાટ મચાવી દીધો છે. મંદિરમાં VIP દર્શનના નામે ચાલતી કથિત ગેરરીતિઓ અને રસીદ વિના લેવાતા દાનના આરોપોએ મોટો વિવાદ જગાવ્યો છે.
VIP દર્શનની સુવિધા જ નથી
નિયમો અનુસાર, અયોધ્યા રામ મંદિરમાં સત્તાવાર રીતે કોઈ પેઇડ (પૈસા આપીને) VIP દર્શનની સુવિધા નથી. જોકે, સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ, મંદિર ટ્રસ્ટ કે વિશિષ્ટ મહેમાનો માટે 'પ્રોટોકોલ દર્શન'ની વ્યવસ્થા જરૂર છે, જેના માટે દર્શનના ઓછામાં ઓછા 24 કલાક પહેલાં એક ખાસ ફોર્મ ભરીને સત્તાવાર નોંધણી કરાવવી ફરજિયાત છે. પરંતુ આરોપ છે કે, રામ મંદિરના સંચાલનમાં સામેલ ટ્રસ્ટના નજીકના લોકો અને ટિનુ યાદવ જેવા ખાનગી કર્મચારીઓએ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને આ નિયમોને હવામાં ઉડાવી દીધા હતા. તેઓ કોઈપણ સત્તાવાર ફોર્મ કે રસીદ વિના જ પોતાના પરિચિતોને VIP દર્શન કરાવી રહ્યા હતા.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત
રામ મંદિર પરિસરમાં સ્થાનિક પોલીસ, PAC, SSF, CRPF અને NSG કમાન્ડો સહિત બે ખાનગી કંપનીઓના સુરક્ષા ગાર્ડ તૈનાત છે. સુરક્ષાની આવી અભેદ વ્યવસ્થા હોવા છતાં, ટ્રસ્ટના વગદાર લોકોના માત્ર એક ઈશારે કોઈપણ સામાન્ય વ્યક્તિ ખાસ મહેમાન બનીને અંદર પ્રવેશી શકતો હતો. સુરક્ષા કર્મચારીઓ પણ દબાણમાં હોવાથી માત્ર શારીરિક તપાસ કરીને આવા લોકોને એન્ટ્રી આપી દેતા હતા. આના કારણે મંદિરમાં એક આખી અલગ પ્રકારની 'દર્શન ઇકોસિસ્ટમ' ઊભી થઈ ગઈ હતી, જ્યાં નિયમો માત્ર સામાન્ય ભક્તો માટે જ રહી ગયા હતા.
લોકો પાસેથી VIP દર્શનના નામે પૈસા પડાવાતા હતા
આ વિવાદ માત્ર વીઆઈપી એન્ટ્રી પૂરતો સીમિત નથી, પરંતુ તેમાં દાન અને પ્રસાદની કથિત ચોરીના ગંભીર આરોપો પણ જોડાયા છે. એવું સામે આવ્યું છે કે, જે લોકોને ગેરકાયદેસર રીતે VIP તરીકે દર્શન કરાવવામાં આવતા હતા, તેમની પાસેથી મોટા પાયે દાન લેવામાં આવતું હતું, અને એની રસીદ પણ આપવામાં નહોતી આવતી. ઘણા ભક્તોએ ખુલાસો કર્યો છે કે તેમણે રામ લલ્લાના ચરણોમાં સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા અર્પણ કર્યા હતા, પરંતુ તેમને 'રસીદ પછીથી મોકલી આપીશું' તેમ કહીને રવાના કરી દેવાયા હતા.
રસીદ વગર જ વીઆઇપી ટ્રીટમેન્ટ
દેશના મોટાભાગના મોટા મંદિરોમાં ખાસ દર્શનની વ્યવસ્થા સામાન્ય બાબત ગણાય છે, પરંતુ રામ મંદિર જેવા સંવેદનશીલ અને પવિત્ર સ્થાન પર રસીદ વગરના દાન અને સુરક્ષા નિયમોના ભંગના આરોપો લાગતાં આ મામલો વધુ ગંભીર બન્યો છે. હાલમાં આ વિવાદ જેમ-જેમ વકરી રહ્યો છે તેમ-તેમ મંદિર ટ્રસ્ટની પારદર્શિતા અને સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

