ભોજપુરી સ્ટાર પવનસિંહની BJPમાં વાપસી, કુશવાહા સાથે સુલેહ માટે વિનોદ તાવડેનો માસ્ટર સ્ટ્રોક

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ભોજપુરી સ્ટાર પવન સિંહ BJPમાં પાછા ફર્યા છે. પવન સિંહે મંગળવારે રાષ્ટ્રીય લોક મોરચાના વડા ઉપેન્દ્ર કુશવાહા સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. તેમની સાથે ભાજપના બિહાર પ્રભારી વિનોદ તાવડે અને પાર્ટી નેતા ઋતુરાજ સિંહા પણ હાજર હતા. બેઠક બાદ તાવડેએ જણાવ્યું હતું કે, બિહારમાં NDAને મજબૂત બનાવવા માટે પવન સિંહ BJP કાર્યકર તરીકે કામ કરશે.
બિહાર વિધાનસભા ચૂંટણી 2025 પહેલા દિલ્હીમાં યોજાયેલી આ મિટિંગથી પટનામાં રાજકીય પારો ગરમ છે. મંગળવારે સવારે પવન સિંહે દિલ્હી સ્થિત કુશવાહાના તેમના સત્તાવાર નિવાસસ્થાને મુલાકાત લીધી હતી. પવનસિંહે તેમના ચરણસ્પર્શ કરીને આશીર્વાદ પણ લીધા હતા. જણાવી દઈએ કે, પવન સિંહ ભાજપની ટિકિટ ઉપર આરા અથવા અન્ય બેઠક પરથી ચૂંટણી લડે તેવી ચર્ચા થઈ રહી છે. પવન અને કુશવાહ વચ્ચે સુલેહ થવાથી શાહબાદ ક્ષેત્રમાં NDAને ફાયદો થાય તેવું પણ લાગે છે.
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને બિહાર પ્રભારી વિનોદ તાવડેએ મંગળવારે સવારે નવી દિલ્હીમાં મીડિયાને જણાવ્યું હતું કે, "પવન સિંહ ભાજપમાં છે અને ભાજપમાં જ રહેશે. ઉપેન્દ્ર કુશવાહાએ તેમને આશીર્વાદ આપ્યા છે. પવન સિંહ આગામી બિહાર ચૂંટણીમાં BJP કાર્યકર તરીકે NDA માટે સક્રિયપણે કામ કરશે." એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મુલાકાત ભાજપના ટોચના નેતાઓના કહેવા પર થઈ હતી.
જણાવી દઈએ કે, ગત વર્ષે લોકસભા ચૂંટણી ટાણે ભાજપે ભોજપુરી સ્ટાર પવન સિંહને પશ્ચિમ બંગાળની આસનસોલ વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપી હતી. જોકે, બાદમાં તેણે બળવો કરીને બિહારના કરકટ મતવિસ્તારથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી. NDA એ RLM વડા ઉપેન્દ્ર કુશવાહાને કરકટથી ઉમેદવાર બનાવ્યા હતા. પવન સિંહની સ્વતંત્ર ઉમેદવારીએ NDA મતોમાં ભાગ પડાવતા મહાગઠબંધનના ઉમેદવાર રાજારામ સિંહ કુશવાહાની કરકટ બેઠક પર જીત થઈ હતી. પવન સિંહ બીજા સ્થાને રહ્યા. જ્યારે કુશવાહાને કારમી હારનો સામનો કરવો પડ્યો.

