Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Bengaluru: 11 killed in stampede Chinnaswamy Stadium

બેંગલુરૂમાં વિજયનો ઉત્સાહ ફેરવાયો માતમમાં, નાસભાગમાં 11ના મોત; PM-CM સહિતના નેતાઓએ વ્યક્ત કર્યું દુઃખ

Timeછેલ્લું અપડેટ : 04 Jun 2025
લાઇવ ટીવીGoogle News
બેંગલુરૂમાં વિજયનો ઉત્સાહ ફેરવાયો માતમમાં, નાસભાગમાં 11ના મોત; PM-CM સહિતના નેતાઓએ વ્યક્ત કર્યું દુઃખ

આઈપીએલ 2025માં આરસીબીના ચેમ્પિયન બનતા બેંગલુરૂના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં જીતની ઉજવણીનું આયોજન કરાયું હતું. જેને લઈને સ્ટેડિયમની નજીક મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. લોકોનું ટોળું એકસાથે ઉમટી પડતા અફરા-તફરી મચી જવા પામી હતી. આરસીબીની ટીમ અમદાવાદથી બેંગલુરૂ પહોંચી હતા. જ્યાં વિધાનસૌધામાં મુખ્યમંત્રીએ આરસીબીની ટીમ અને સ્ટાફને શુભેચ્છા પાઠવી હતી. ત્યારબાદ આરસીબીની ટીમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પહોંચી હતી. જ્યાં લાખોની સંખ્યામાં લોકો સ્ટેડિયમ અને સ્ટેડિયમની બહાર ઉમટી પડ્યા હતા. મોટી સંખ્યામાં ફેન્સ એક સાથે પહોંચવાના કારણે અનેક એન્ટ્રી ગેટ પર નાસભાગ મચી ગઈ, જેના કારણે 11 લોકોના મોત થયા અને 30થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટનાને લઈને BCCI, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે. તેમણે કહ્યું કે, 'નાસભાગની ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસ થશે. કમિટી 15 દિવસમાં રિપોર્ટ સોંપશે. આ દુર્ઘટના નહોતી બનવી જોઈતી. જશ્ન માટે 35 હજારની કેપેસિટી વાળા સ્ટેડિયમમાં અંદાજિત 3 લાખ લોકો ઉમટી પડ્યા. નાસભાગમાં બચાવ ન કરી શકાયો.'

App Store

બેંગલુરૂ નાસભાગ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

બેંગલુરૂમાં થયેલી નાસભાગ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે, 'બેંગલુરૂમાં બનેલી દુર્ઘટના ખૂબજ દુઃખદ છે. આ દુઃખના સમયમાં મારી સંવેદનાઓ તે તમામ લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. હું પ્રાર્થના કરું છું કે જે લોકો ઈજાગ્રસ્ત થયા છે તેઓ જલ્દીથી સાજા થઈ જાય.'

આ દુર્ઘટનાએ જીતની ખુશીને ખતમ કરી દીધી: કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે, 'આ સાંભળીને અમને ખૂબ દુઃખ થયું કે બેંગલુરૂના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આરસીબી ટીમના જીતના જશ્ન દરમિયાન નાસભાગ મચી, જેમાં અનેક લોકોના જીવ ગયા અને કેટલાક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા. આ દુર્ઘટનાના દુઃખે જીતની ખુશીને પણ ખતમ કરી દીધી છે. મૃતકોની આત્માને શાંતિ મળે અને હોસ્પિટલમાં સારવાર કરાવી રહેલા ઈજાગ્રસ્તોને જલ્દીથી જલ્દી સાજા થવાની પ્રાર્થના કરું છું. આવી નાસભાગ અને ભીડ બેકાબૂ થવાના કારણે અપ્રિય ઘટનાની શક્યતાના પગલે વિજય પરેડમાં માર્ચ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. નાસભાગમાં 11 લોકોના મોત થયા છે અને 33 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્ત ખતરાથી બહાર છે.'

માનવ જીવન હંમેશા પ્રથમ હોવું જોઈએ: રાહુલ ગાંધી

નાસભાગ પર રાહુલ ગાંધીએ કહ્યું કે, 'RCBની વિક્ટરી પરેડ દરમિયાન બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ પાસે થયેલી દુર્ઘટના હૃદયદ્રાવક છે. જે પરિવારોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. ઘાયલ થયેલા તમામ લોકો ઝડપથી અને સંપૂર્ણ સ્વસ્થ થાય તેવી કામના. આ દુઃખની ઘડીમાં હું બેંગલુરુના લોકોની સાથે ઉભો છું. કર્ણાટક સરકારે અસરગ્રસ્ત પરિવારોને તમામ શક્ય સહાય અને રાહત પૂરી પાડવી જોઈએ. આ દુર્ઘટના એક પીડાદાયક યાદ અપાવે છે. કોઈપણ ઉજવણીમાં માનવ જીવનની કિંમતની નથી. જાહેર કાર્યક્રમો માટે દરેક સલામતી પ્રોટોકોલની સમીક્ષા કરવી જોઈએ અને કડક રીતે અમલ કરવો જોઈએ - જીવન હંમેશા પ્રથમ હોવું જોઈએ.'

કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે કહ્યું- 'અમે કાર્યક્રમને ટૂંકાવી દીધો'

કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે કહ્યું કે, 'મેં પોલીસ કમિશનર અને તમામ અધિકારીઓ સાથે વાત કરી છે. હું બાદમાં હોસ્પિટલ પણ જઈશ. હું તે ડોક્ટરોને હેરાન કરવા નથી માગતો, હાલ તેઓ દર્દીઓની સારવાર કરી રહ્યા છે. હાલ મૃતકોની સંખ્યા ન જણાવી શકાય. અમે લોકોને શાંત રહેવાની અપીલ કરીએ છીએ. અમે કાર્યક્રમને નાનો કરી દીધો. કાર્યક્રમ 10 મિનિટમાં જ પૂર્ણ થઈ ગયો. અમે બધુ સામાન્ય કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.'

આ કાર્યક્રમમાં અમારો કોઈ રોલ ન હતો: BCCI સચિવ દેવજીત સૈકિયા

BCCIના સચિવ દેવજીત સૈકિયાએ કહ્યું કે, 'જે કંઈ થયું તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. મને લાગે છે કે કેટલીક ખામીઓ હતી. બીસીસીઆઈનો તેમાં કોઈ રોલ ન હતો. પરંતુ આ એક સબક છે જેનાથી શીખી શકાય છે. આગળ જતા આ પ્રકારના જીતના જશ્ન માટે નવા નિયમો બનાવવામાં આવશે.'

તમામે મળીને ડેમેજ કંટ્રોલ કરવો જોઈએ: BCCI ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા

બેંગલુરૂ નાસભાગ પર BCCI ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ કહ્યું કે, 'તેમણે (કર્ણાટક સરકાર) નાસભાગની સ્થિતિથી બચવા માટે રોડ શો બંધ કર્યો હતો, પરંતુ એ અંદાજ ન હતો કે સ્ટેડિયમની બહાર આવું થઈ જશે. જેને લઈને રાજનીતિ ન થવી જોઈએ. તમામે મળીને ડેમેજ કંટ્રોલ કરવો જોઈએ.'

ભાજપે સિદ્ધારમૈયા પર કર્યા પ્રહાર

નાસભાગની ઘટના પર ભાજપના MLC ચાલાવાડી નારાયણસ્વામીએ કહ્યું કે, 'આ દુર્ઘટના સરકારના કારણે બની. તેમને આ વાતનો કોઈ અંદાજો ન હતો કે કેટલા લોકો આવ્યા, શું સાવધાનીઓ રાખવી પડશે. આ સુરક્ષામાં ચૂક છે.' કર્ણાટક ભાજપના પ્રમુખ બી.વાય. વિજયેન્દ્રએ હોસ્પિટલ પહોંચીને નાસભાગમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોના ખબરઅંતર પૂછ્યા હતા. કહ્યું કે, 'રાજ્ય સરકારે આ દુર્ઘટનાની સંપૂર્ણ જવાબદારી લેવી જોઈએ. રાજ્ય સરકાર જવાબદાર છે અને મુખ્યમંત્રીએ આ મામલે તપાસ કરાવવી જોઈએ.' ભાજપ નેતા પ્રહ્લાદ જોશીએ કહ્યું કે, 'આ એક દુર્ઘટના છે કે બેંગલુરૂમાં નાસભાગમાં 11ના મોત થઈ ગયા અને 30થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા. વ્યવસ્થા, યોજનાની કમીના કારણે આવી હૃદયદ્વાવક ઘટના બની. કર્ણાટક સરકાર પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહી.'

દીવાલ-વૃક્ષો પર ચડ્યા ફેન્સ

રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂના ફેન્સ ચિન્નાસ્વામી સ્ટેડિયમની દીવાલો અને વૃક્ષો પર ચડ્યા હતા, જ્યારબાદ પોલીસે તેને ઉતારીને ભગાડ્યા હતા.