'બોયફ્રેન્ડ મુકીને ભાગી ગયો, મને ઢસડીને એકાંત સ્થળે લઈ ગયા...', બંગાળની MBBS રેપ પીડિતાની આપવિતી
પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં એક ખાનગી મેડિકલ કોલેજમાં બીજા વર્ષની વિદ્યાર્થિની પર કથિત દુષ્કર્મ આચર્યાની ગંભીર ઘટના

પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં એક ખાનગી મેડિકલ કોલેજમાં બીજા વર્ષની વિદ્યાર્થિની પર કથિત દુષ્કર્મ આચર્યાની ગંભીર ઘટના સામે આવી છે. આ ઘટનાએ 2024ના આરજી કાર મેડિકલ કોલેજ કેસની દર્દનાક યાદો તાજી કરી છે, જેમાં એક જુનિયર ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યા કરવામાં આવી હતી.
પીડિતાએ જણાવી આપવીતી
પોલીસને આપવામાં આવેલા નિવેદન મુજબ, પીડિતા ઓડિશાના જલેશ્વરની રહેવાસી છે અને દુર્ગાપુરના શોભાપુર વિસ્તારમાં આવેલી એક ખાનગી મેડિકલ કોલેજમાં MBBSની વિદ્યાર્થિની છે.
પીડિતાએ દાવો કર્યો છે કે, તે શુક્રવારે રાત્રે 8:30 વાગ્યાની આસપાસ તેના મિત્રો સાથે કેમ્પસની બહાર જમવા ગઈ હતી. પરત ફરતી વખતે બે-ત્રણ યુવાનોએ તેને અટકાવી. એક યુવકે તેનો મોબાઈલ ફોન છીનવી લીધો, જ્યારે બીજા યુવકે પીડિતાને એકાંત વિસ્તારમાં ઢસડીને દુષ્કર્મ આચર્યું. પીડિતાના મિત્રએ બાદમાં તેને મેડિકલ કોલેજની હોસ્પિટલમાં દાખલ કરી હતી. પીડિતાના નિવેદનને આધારે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
પિતાએ ઉઠાવ્યા હોસ્પિટલની સુરક્ષા પર સવાલો
આ ઘટના બાદ પીડિતાના પિતાએ કોલેજ અને હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા પર આકરા સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, 'જો હોસ્પિટલમાં પૂરતી સુરક્ષા હોત, તો મારી પુત્રી આ સ્થિતિમાં ન હોત.'
રાષ્ટ્રીય મહિલા આયોગે લીધી મુલાકાત
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય અર્ચના મજુમદારે શનિવારે (11મી ઓક્ટોબર 2025) દુર્ગાપુર મેડિકલ કોલેજ સ્થળની મુલાકાત લીધી હતી. અર્ચના મજુમદારે રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પર ટિપ્પણી કરતાં કહ્યું કે, 'રાજ્યમાં આવા ગુનાઓ વધી રહ્યા છે કારણ કે ગુનેગારોને સજા મળતી નથી.'
સ્વાસ્થ્ય શિક્ષણ નિયામકે રિપોર્ટ માંગ્યો
આ મામલે સ્વાસ્થ્ય શિક્ષણ નિયામક ઈન્દ્રજીત સાહાએ તાત્કાલિક ખાનગી મેડિકલ કોલેજને રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે. આરોગ્ય ભવનના સૂત્રોના જણાવ્યા અનુસાર, સમગ્ર મામલે પોલીસ તપાસ પર પણ નજીકથી નજર રાખવામાં આવી રહી છે.








