અયોધ્યા પછી હવે બદ્રીનાથમાં હાર્યું ભાજપ, વિપક્ષે કટાક્ષ કરતા કહ્યું "ધર્મ આસ્થા છે, રાજકીય વેપાર નથી"

ઉત્તરાખંડમાં મંગલૌર અને બદ્રીનાથ બેઠક પર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઇ હતી. આ બન્ને બેઠક પર પહેલા કોંગ્રેસ અને બસપાનો કબ્જો હતો અને ભાજપ સામે આ બેઠક જીતવાનો પડકાર હતો.જોકે, ભાજપ તેમાં સફળ થઇ શક્યુ નહતું. બદ્રીનાથ બેઠક પર કોંગ્રેસના લખપત સિંહ બુટોલાએ જીત મેળવી છે. કોંગ્રેસના લખપત સિંહે ભાજપના રાજેન્દ્ર ભંડારીને 5 હજાર કરતા પણ વધુ મતથી હરાવ્યા છે. રાજેન્દ્ર ભંડારી પહેલા અહીંના ધારાસભ્ય હતા પરંતુ બાદમાં તે ભાજપમાં સામેલ થઇ ગયા હતા.
કોંગ્રેસના લખપત સિંહ બુટોલાએ બદ્રીનાથમાં વિધાનસભાની પેટા ચૂંટણી જીતી લીધી છે. લખપત સિંહે ભાજપના રાજેન્દ્ર ભંડારીને 5,224 મતથી હરાવ્યા હતા.
બદ્રીનાથમાં ચૂંટણી જીત્યા બાદ કોંગ્રેસના ઉમેદવારે શું કહ્યું?
વિધાનસભા પેટા ચૂંટણીમાં બદ્રીનાથ બેઠક પર જીત બાદ કોંગ્રેસના ઉમેદવાર લખપત સિંહ બુટોલાએ કહ્યું, "હું બદ્રીનાથના લોકોનો આભાર માનવા માંગુ છું, તેનો શ્રેય તે તમામને જાય છે જેમને ન્યાયની આ લડાઇમાં પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે મારો સાથ આપ્યો."
કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે પણ બદ્રિનાથમાં ભાજપની હાર બાદ કટાક્ષ કર્યો હતો. સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પોસ્ટ કરતા સુપ્રિયા શ્રીનેતે લખ્યુ કે, "ધર્મ આસ્થા છે, રાજકીય વેપાર નથી. અયોધ્યાથી લઇને બદ્રીનાથ- પ્રભુનો આ જ મેસેજ છે."
શિવસેનાના સાંસદનો કટાક્ષ
શિવસેના ઉદ્ધવ જૂથના રાજ્યસભાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું, "જય બાબા બદ્રીનાથ, નૉન બાયોલોજિકલ પાર્ટી અહીં પણ હારી.." શિવસેનાના સાંસદનો ઇશારો રામનગરી અયોધ્યા તરફ હતો, જ્યાં ભાજપે લોકસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

