દુષ્કર્મની ઘટના બાદ વાતાવરણ તંગ; પોલીસ પર કરાયો પથ્થરમારો, હજી નથી ઝડપાયો હેવાન આરોપી
મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં છ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મન

મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં છ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી હતી. આ પછીથી ગૌહરગંજ, સિહોર સહિત અનેક જિલ્લામાં વાતાવરણ તંગ બન્યું છે. રિપોર્ટ મુજબ દેખાવકારો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી. ઉપરાંત પોલીસનો બળપ્રયોગ અને દેખાવકારોએ પથ્થર મારો કર્યો હોવાની વિગતો સામે આવી છે.
ટોળા અને પોલીસ વચ્ચે ઝપાઝપી
21 નવેમ્બરના રોજ રાયસેન જિલ્લામાં છ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી. ઘટનાના પાંચ દિવસ બાદ પણ હેવાન આરોપી નથી પકડાયો. તેથી લોકો રોષે ભરાયા છે. આ ઘટનાનો વિરોધ કરવા માટે એક શાળાના મેદાનમાં શાંતિપૂર્વક દેખાવો યોજાયા હતા, જોકે ત્યારબાદ ભીડે અચાનક ઘટનાસ્થળ તરફ જવાનો પ્રયાસ કરતા મામલો બિચક્યો છે.
ભીડને આગળ વધતી અટકાવવા માટે પોલીસે સામાન્ય બળપ્રયોગ કર્યો હોવાનો અને દેખાવકારોએ પથ્થરમારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. સુરક્ષાને ધ્યાને રાખીને અને કોઈ મોટી ઘટના ન બને તે માટે પોલીસે આસપાસના વિસ્તારોમાં શોધખોળ અભિયાન શરૂ કરી દીધું છું.
સિહોરમાં બંધ, આરોપીને મૃત્યુદંડ આપવા માંગ
માસૂમ બાળકી પર હેવાનીયતભર્યું કૃત્ય કરનાર આરોપીને મૃત્યુદંડની સજા આપવાની માંગ કરવામાં આવી રહી છે. ઘટનાને લઈને સિહોરમાં પણ લોકો ગુસ્સે ભરાયા છે અને શહેર બંધ રહેવાની સાથે રેલીઓ પણ કાઢવામાં આવી રહી છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપીને આરોપી સલમાનને મૃત્યુદંડ આપવાની માંગ કરવામાં આવી છે.
વિશાળ રેલી કાઢી રોષ વ્યક્ત કર્યો
સિહોરના લોકોનું કહેવું છે કે, આરોપીએ માસૂમ બાળકી પર જે હેવાનભર્યું કૃત્ય કર્યું છે, તે માનવતાની મર્યાદાની બહાર છે. રોષે ભરાયેલા લોકોએ રસ્તા પર એક વિશાળ રેલી કાઢી હતી. અહીં દેખાવકારો હાથમાં બેનરો, આંખોમાં આસૂં અને દિલમાં રોષ લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા.
હેવાનને પકડવા 300 પોલીસનું સર્ચ ઓપરેશન
ઘટનાને લઈને મુખ્યમંત્રી મોહન યાદવે ડીજીપી, એડીજી ઈન્ટેલિજન્સ સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. મુખ્યમંત્રીએ રાયસેનના એસ.પી. પંકજ પાંડેને હટાવી દીધા છે. બીજીતરફ આરોપીને પકડવા માટે લગભગ પોલીસની 20 ટીમ બનાવાઈ છે. તેમાં 300થી વધુ પોલીસ કર્મચારીઓ હેવાનને પકડવા માટે ચોતરફ સર્ચ ઓપરેશન કરી રહ્યા છે.
આરોપીએ બાળકીને જંગલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું
ઉલ્લેખનીય છે કે, 21 નવેમ્બરની રાત્રે 8.00 કલાકે આરોપી સલમાને ઘર બહાર રમી રહેલી માસૂમ બાળકીને ચોકલેટની લાલચ આપી હતી. ત્યારબાદ આરોપી બાળકીને જંગલમાં લઈ ગયો હતો અને તેણી પર દુષ્કર્મ આચરી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
મોડી રાત સુધી બાળકી ન મળતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. પરિવારજનોએ આસપાસ શોધવાનો પ્રયાસ કર્યા બાદ બાળકી જંગલમાં રડતી હાલતમાં મળી આવી હતી. પછી બાળકીને તાત્કાલીક અબદુલ્લાગંજ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી, જ્યાં ડૉક્ટરોએ તેણી પર દુષ્કર્મ થયું હોવાની પુષ્ટી કરી હતી. હાલ બાળકીની હાલત નાજુક છે અને તેની સારવાર ચાલી રહી છે.








