અતિક-અશરફ અહેમદ, મુખ્તાર અંસારી… એવા ગુનેગારો જેની જિંદગી જેલમાં જ પુરી થઇ

ઉત્તર પ્રદેશના માફિયા ડોન મુખ્તાર અંસારીનું જેલમાં હાર્ટ એટેકના કારણે મોત થયું હતું. હવે પોસ્ટમોર્ટમ બાદ તેના મૃતદેહને ગાઝીપુર સ્થિત તેના વતન ગામ લાવવામાં આવશે જ્યાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મુખ્તાર અંસારી યુપીનો પહેલો માફિયા કે ગેંગસ્ટર નથી જેનું જેલમાં મૃત્યુ થયું હોય.આ અગાઉ પણ અનેક માફિયા કે ગુનેગારોના જેલમાં મોટ થઇ ચુક્યા છે.
બાગપત જેલમાં મુન્ના બજરંગીની હત્યા હોય કે જેલમાં જ બીમારીના કારણે મુનીરનું મૃત્યુ હોય કે પછી અંશુ દીક્ષિતનું મોત. મથુરા જેલમાં ગેંગ વોરમાં માર્યા ગયેલા ગેંગસ્ટર રાજેશ તોતા હોય કે પછી બિહારનો સ્ટ્રોંગમેન શહાબુદ્દીન હોય, જે તિહાર જેલમાં બંધ અવસ્થામાં જ મોટ ને ભેટ્યો હતો. આવા ગુંડાઓ અને ગુનેગારોની લાંબી યાદી છે જેઓ જેલમાં હતા ત્યારે જ આ દુનિયા છોડી ગયા હતા.
મુનીરનું જેલમાં જ મૃત્યુ થયું હતું
NIA અધિકારી તંજીલ અહેમદની હત્યાના દોષિત ગુનેગાર મુનીરનું જેલમાં જ મૃત્યુ થયું હતું. સરકારી અધિકારીની હત્યાના કેસમાં કોર્ટે મુનીરને ફાંસીની સજા ફટકારી હતી. દરમિયાન, 21 નવેમ્બર 2022 ના રોજ, બીએચયુ મેડિકલ કોલેજમાં બિમારીના કારણે તેનું અવસાન થયું.
મુન્ના બજરંગીની જેલમાં જ હત્યા કરવામાં આવી હતી
લગભગ 6 વર્ષ પહેલા બાગપત જેલમાં જ ગેંગસ્ટર મુન્ના બજરંગીની હત્યા કરવામાં આવી હતી. પશ્ચિમ ઉત્તર પ્રદેશના ગેંગસ્ટર સુનીલ રાઠીએ તેની હત્યા કરી હતી. 14 મે, 2021 ના રોજ, મુખ્તાર અંસારીના નજીકના સહયોગીઓ મેરાજ, માફિયા મુકિમ કાલા અને અંશુ દીક્ષિતનું ચિત્રકૂટ જેલમાં ગેંગ વોર દરમિયાન મૃત્યુ થયું હતું. એ જ રીતે, વર્ષ 2015 માં, મથુરા જેલમાં બંધ ગેંગસ્ટર રોજેશ તોતાની ગેંગ વોરમાં હત્યા કરવામાં આવી હતી.
મેડિકલ માટે જતાં અતીક અને અશરફની હત્યા
ગયા વર્ષે 15 એપ્રિલે યુપીના પ્રયાગરાજમાં માફિયા ડોન અતીક અહેમદ અને તેના ભાઈની જ્યારે તેઓ મેડિકલ તપાસ માટે જઈ રહ્યા હતા ત્યારે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ બંનેને પ્રયાગરાજની હોસ્પિટલ પરિસરમાં ગોળીઓ મારી હત્યા કરી દેવાઈ હતી. ઉમેશ પાલ હત્યા કેસમાં પોલીસે બંનેને જેલમાંથી રિમાન્ડ પર લીધા હતા.
તિહારમાં શહાબુદ્દીનનું મૃત્યુ
બિહારના સિવાનના પૂર્વ સાંસદ અને મસલમેન શહાબુદ્દીનનું પણ જેલમાં જ મોત થયું હતું. વર્ષ 2021માં તેને તિહાર જેલમાં કોરોના થયો હતો, ત્યારબાદ પૂર્વ સાંસદને દિલ્હીની દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

