ભારત પરત ફરી રહ્યા છે અવકાશ યાત્રી શુભાંશુ શુક્લા, PM MODI સાથે કરશે મુલાકાત

ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા તેમની ઐતિહાસિક આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) યાત્રા બાદ રવિવાર, 17 ઓગસ્ટ, 2025 ના રોજ ભારત પરત આવી રહ્યા છે. ISRO તેની પ્રથમ માનવ અવકાશ ઉડાન 2027 માં શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. શુભાંશુ શુક્લાના અનુભવો આ ક્ષેત્રમાં મોટી ભૂમિકા ભજવશે. ભારત આવીને તેઓ પીએમ મોદી સાથે મુલાકાત કરશે. ત્યાર બાદ તેમના વતન લખનઉ પણ જશે.
શુભાંશુની અવકાશ યાત્રા
શુભાંશુ શુક્લા, જે ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન છે. તેમણે છેલ્લા એક વર્ષથી અમેરિકામાં રહીને એક્સિઓમ-4 મિશન માટે તાલીમ લીધી. 25 જૂન, 2025ના રોજ ફ્લોરિડાથી સ્પેસએક્સ ડ્રેગન કેપ્સ્યુલ લોન્ચ થયા પછી 26 જૂને ISS પહોંચ્યા. 15 જુલાઈએ 18 દિવસનું મિશન પુરું કરીને પૃથ્વી પર પાછા ફર્યા. તેમની સાથે ત્રણ અન્ય અવકાશયાત્રીઓ - પેગી વ્હિટસન (યુએસએ), સ્લાવોસ ઉજ્નાન્સ્કી-વિસ્નીવસ્કી (પોલેન્ડ) અને ટિબોર કાપુ (હંગેરી) સાથે 60થી વધુ પ્રયોગો અને 20થી વધુ જાગૃતિ સત્રો કર્યા.
ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા 25 ઓગસ્ટે લખનૌ જશે. શુભાંશુનું લખનઉંમાં ભવ્ય સ્વાગતની તૈયારી ચાલી રહી છે. એરપોર્ટથી તેમના નિવાસસ્થાન સુધી રોડ શો દ્વારા લખનૌના લોકોનો આભાર માનશે. ઇતિહાસ રચ્યા પછી શુભાંશુ તેમના પરિવારને મળવા માટે પહેલી વાર લખનૌ જશે.
શુભાંશુએ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરી લખ્યું, જ્યારે હું ભારત આવવા માટે વિમાનમાં બેઠો ત્યારે મારા દિલમાં અનેક લાગણીઓના ઘોડાપૂર ચાલી રહ્યા છે. છેલ્લા એક વર્ષથી મારા મિત્રો અને પરિવાર જેવા અદ્ભુત લોકોથી વિદાય લેતા મને દુખ થઈ રહ્યું છે. બીજી તરફ મારા પરિવાર, મિત્રો અને દેશવાસીઓને પહેલી વાર મળવાની ખુશી છે. કદાચ આ જીવન છે - બધું એકસાથે.
મિશન દરમિયાન અને પછી મને એટલો પ્રેમ અને સમર્થન મળ્યું કે, હું ભારત આવીને મારો અનુભવ શેર કરવા આતુર છું. વિદાય મુશ્કેલ છે, પરંતુ જીવનમાં આગળ વધવું મહત્વપૂર્ણ છે. મારા કમાન્ડર પેગી વ્હિટસન કહે છે કે અવકાશ ઉડાનમાં એકમાત્ર કાયમી વસ્તુ પરિવર્તન છે. આ જીવનને પણ લાગુ પડે છે. શુભાંશુને તેની પ્લેલિસ્ટમાંથી બોલિવૂડ ફિલ્મ 'સ્વદેશ'નું ગીત 'યુન હી ચલા ચલ રાહી - જીવન ગાડી હૈ સમય પાહિયા' પણ યાદ આવ્યું, જે મિશન પહેલા તેની સાથે હતું.

