ગુજરાતમાં લોકસભા ચૂંટણી લડશે ઓવૈસીની પાર્ટી AIMIM, આ બે બેઠક પર ઉભા રાખશે ઉમેદવાર

Lok Sabha Elections 2024 : હૈદરાબાદના સાંસદ તેમજ ઑલ ઇંડીયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન-AIMIMના રાષ્ટ્રીય પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) હવે ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં પોતાના ઉમેદવાર ઉભા રાખશે અને ભાજપ તેમજ કોંગ્રેસને ટક્કર આપશે તેમજ તેમના ઉમેદવારના મત કાપશે.
AIMIMના ગુજરાત પ્રદેશ પ્રમુખ પાસેથી મળતી માહિતી મુજબ ગાંધીનગર અને ભરૂચ લોકસભા બેઠક પર ઓવૈસીની પાર્ટી AIMIM ઉમેદવાર ઉભા રાખશે. ગાંધીનગર બેઠક પર ભાજપ ઉમેદવાર અમિત શા છે. આથી AIMIM ઉમેદવાર ચૂંટણી લડે તો અમિત શાહની લીડમાં ઘટાડો થઈ શકે છે. ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેના ગઠબંધનને લઈને AIMIM ઉમેદવાર ઊભા રાખી વોટ કાપી શકે છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 13 ઉમેદવારો ઉભા રાખ્યા હતા
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMએ ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022માં 13 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યાં હતા, પણ આમાંથી એક પણ ઉમેદવાર જીત્યા ન હતા તેમજ આ ચૂંટણીમાં AIMIM પાર્ટીને NOTAથી પણ ઓછા મત મળ્યા હતા.
અમદવાદ મહાનગરપાલિકામાં AIMIMના 7 કોર્પોરેટર
વર્ષ 2021માં યોજાયેલી અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMએ વિવિધ બેઠક પર 21 ઉમેદવાર ઉભા રાખ્યાં હતા, જેમાંથી 7 ઉમેદવારો જીતી કોર્પોરેટર બન્યાં હતા.

