કેજરીવાલને હાઈકોર્ટમાંથી રાહત ના મળી, ધરપકડની વિરુદ્ધ હવે 3 એપ્રિલે સુનાવણી થશે

લીકર પોલિસી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હાઈકોર્ટમાંથી રાહત મળી નથી. કેજરીવાલની ધરપકડ સામે એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)ને જવાબ દાખલ કરવા માટે કોર્ટે 2 એપ્રિલ સુધીનો સમય આપ્યો છે. આ કેસની આગામી સુનાવણી હવે 3 એપ્રિલે થશે.
ઈડી વતી એડિશનલ સોલિસિટર જનરલ (ASG) રાજુએ કહ્યું કે, અમે ડિટેઇલ્સમાં જવાબ ફાઈલ કરવા માંગીએ છીએ. મુખ્ય કેસમાં અમને ત્રણ અઠવાડિયા અપાયા હતા. આ મામલે પણ અમને પોતાનો જવાબ દાખલ કરવા માટે જરૂરી સમય આપવામાં આવે.
મહત્ત્વનું છે કે, કેજરીવાલે પોતાની ધરપકડને પડકારતા ઈડીની કસ્ટડીમાંથી મુક્ત કરવા માંગ કરી હતી. કેજરીવાલની અરજી પર જસ્ટિસ સ્વર્ણકાંત શર્માની બેન્ચની સામે બંને પક્ષોએ પોતાની દલીલ રજૂ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલની ED દ્વારા 21 માર્ચે એક્સાઈઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને દિલ્હી રારૂઝ એવન્યુ કોર્ટે તેમને 28 માર્ચ સુધી ઇડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા.

