અરવલ્લી ગિરિમાળા વિવાદ: સુપ્રીમ કોર્ટે સુઓમોટો લઈ સુનાવણીનો લીધો નિર્ણય, આવતીકાલે સૌની નજર સર્વોચ્ચ ન્યાયાલય પર

અરવલ્લી ગિરિમાળા મામલે ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. એવામાં હવે આ મામલે સુપ્રીમ કોર્ટે સુઓમોટો ( સ્વતઃ સંજ્ઞાન ) લઈ સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચ સોમવારે આ મામલે સુનાવણી કરશે. આ બેન્ચમાં જસ્ટિસ જે કે મહેશ્વરી અને જસ્ટિસ ઓગસ્તટિન જ્યોર્જ પણ હશે. એવામાં હવે સૌ કોઈની નજર સુપ્રીમ કોર્ટ પર રહેશે. સુપ્રીમ કોર્ટ કેન્દ્ર અને રાજ્ય સરકારોને મામલે નવા નિર્દેશ જાહેર કરે તેવી પણ શક્યતા છે.
શું છે સમગ્ર વિવાદ?
નોંધનીય છે કે, ગયા મહિને જ કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે સુપ્રીમ કોર્ટમાં ભલામણ કરી હતી કે 100 મીટરથી ઊંચા પહાડોને જ અરવલ્લીની ગિરિમાળા માનવામાં આવે. સુપ્રીમ કોર્ટે આ વ્યાખ્યાને માન્યતા પણ આપી દીધી હતી. જે બાદ રાજસ્થાન અને હરિયાણામાં પર્યાવરણ પ્રેમીઓ દ્વારા અરવલ્લીને બચાવવા માટે ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. લોકોએ કેન્દ્ર સરકાર સામે બાંયો ચડાવી છે. જોકે, ભારે વિરોધ અને વિવાદ વધતાની સ્થિતિને જોઈ કેન્દ્ર સરકારે 24મી ડિસેમ્બરે નવો આદેશ જાહેર કરી કહ્યું હતું કે, અરવલ્લીમાં નવા ખાણકામની મંજૂરી આપવામાં આવશે નહીં.
અરવલ્લી પર્વતમાળાઓનું મહત્વ
અરવલ્લી પર્વતમાળાઓ સમગ્ર ઉત્તર ભારત માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અરવલ્લી પર્વતમાળાનો દક્ષિણપશ્ચિમ છેડો ગુજરાતમાં પાલનપુર નજીક સ્થિત છે, જ્યાં માઉન્ટ આબુ સ્થિત છે. અરવલ્લી પર્વતમાળાનો સૌથી મોટો ભાગ રાજસ્થાનમાં ફેલાયેલો છે, જે ઉદયપુર, રાજસમંદ, અજમેર અને જયપુર જેવા આશરે 13 થી 15 જિલ્લાઓને આવરી લે છે.
રાજસ્થાનમાં અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર ગુરુ શિખર છે, જેની ઊંચાઈ 1,722 મીટર છે. હરિયાણામાં, અરવલ્લી પર્વતમાળા ગુરુગ્રામ, ફરીદાબાદ, નૂહ, રેવાડી અને મહેન્દ્રગઢમાં ફેલાયેલી છે. સરળ શબ્દોમાં કહીએ તો, અરવલ્લી પર્વતમાળા ચાર રાજ્યોમાં ફેલાયેલી છે, અને અહીં અસંખ્ય સંરક્ષણ કાર્યક્રમો ચાલી રહ્યા છે.
નિષ્ણાતોના મતે, જો અરવલ્લી પર્વતમાળાનું રક્ષણ નહીં થાય તો સમગ્ર જીવસૃષ્ટિ જોખમમાં મુકાઈ શકે છે, ગરમી અને તાપમાન વધી શકે છે, પાણીની અછત વધુ ખરાબ થઈ શકે છે, શ્વસન રોગો વધી શકે છે. વધુમાં, દિલ્હી-NCRમાં પ્રદૂષણ અને પાણીની અછત વધુ ખરાબ થઈ શકે છે.

