સીમા હૈદર વિરુદ્ધ 20 જેટલી કલમો હેઠળ ગુનો નોંધવા કરી અપીલ, ગુલામ હૈદરના વકિલે કોર્ટમાં કરી આ રજૂઆત

ગ્રેટર નોઈડામાં રહેતી સીમા હૈદરના પાકિસ્તાની પતિ ગુલામ હૈદરના વકીલો સૂરજપુર કોર્ટ પહોંચ્યા છે. સુરજપુર કોર્ટમાં સીમા, તેના પતિ સચિન મીના અને પિતા નેત્રપાલ વિરુદ્ધ એફઆઈઆર નોંધવા માટે 156/3 હેઠળ અરજી દાખલ કરવામાં આવી છે.
જણાવી દઈએ કે, સુરજપુર કોર્ટે જેવર પોલીસને નોટિસ પાઠવી છે અને તેણે 18 એપ્રિલ સુધીમાં આનો જવાબ દાખલ કરવાનો રહેશે. 20 જેટલી કલમો હેઠળ કેસ નોંધવાની અપીલ કરવામાં આવી છે. ગુલામ હૈદરના વકીલે કોર્ટમાં આ અરજી દાખલ કરી હતી. તેણે સચિન સાથે લગ્નના દાવાને ખોટો ગણાવ્યો છે.
ગુલામ હૈદર દ્વારા કાનૂની કાર્યવાહીની પ્રક્રિયા બાદ સીમા હૈદર અને સચિન મીણાની મુશ્કેલીઓ વધી શકે છે. ગુલામ હૈદર પહેલેથી જ પોતાના ચાર બાળખો પરત દેવા ભારત સરકારને પણ અપીલ કરી ચૂક્યા છે.
આ અગાઉ ગુલામ હૈદરના વકીલે સીમા અને સચિનને 3 કરોડ રૂપિયાની નોટિસ મોકલી હતી. આ સિવાય સીમા અને સચિનના વકીલ ડૉ.એ.પી. સિંઘને પણ 5 કરોડ રૂપિયાની નોટિસ મોકલાઈ હતી. સીમા હૈદરના પાકિસ્તાની પતિ વતી વકીલ મોમિન મલિકે ત્રણેયને કરોડોની નોટિસ મોકલીને એક મહિનાની અંદર માફી માંગવાની માંગ કરી છે. દંડની રકમ જમા નહીં કરાવે તો કાયદેસરની કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપી છે.
જણાવી દઈએ કે સીમા હૈદર પોતાના પ્રેમીને મળવા પાકિસ્તાનથી પોતાના બાળકો સાથે ભારતના ગ્રેટર નોઈડા આવી હતી. અહીં સીમાએ સચિન મીણા સાથે લગ્ન કરી લીધા. હરિયાણાના પાણીપતના સીનિયર એડવોકેટ મોમિન મલિક સીમાના પાકિસ્તાની પતિ ગુલામ હૈદર વતી કેસ લડી રહ્યા છે.

