VIDEO: ‘અપની જનતા પાર્ટી’ હવે INDIA ગઠબંધનમાં જોડાશે, રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ સ્વામી પ્રસાદ મૌર્યની મોટી જાહેરાત
ઉત્તર પ્રદેશના રાજકારણમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથેની બેઠક બાદ ‘અપની જનતા પાર્ટી’ના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી પ્રસાદ મૌર્યએ સત્તાવાર રીતે INDIA ગઠબંધનમાં સામેલ થવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી ઉત્તર પ્રદેશમાં વિપક્ષી ગઠબંધનને વધુ મજબૂતી મળવાની શક્યતા સેવાઈ રહી છે.
રાહુલ ગાંધી સાથેની મુલાકાત બાદ મીડિયા સાથે વાતચીત કરતા સ્વામી પ્રસાદ મૌર્યએ જણાવ્યું હતું કે, "અપની જનતા પાર્ટી હવે 'ઈન્ડિયા' ગઠબંધનનો હિસ્સો બનશે. ભવિષ્યની રણનીતિ અને અમે કેટલી બેઠકો પર ચૂંટણી લડીશું તેની વિસ્તૃત ચર્ચા આગળ કરવામાં આવશે."
તેમણે પોતાના લક્ષ્ય સ્પષ્ટ કરતા જણાવ્યું કે, "અમારો મુખ્ય હેતુ ‘ભાજપ હટાવો, દેશ બચાવો’ અને ‘સંવિધાન બચાવો, ભાજપ હટાવો’ રહેશે. જે રીતે રાહુલ ગાંધી સમગ્ર દેશમાં અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), અન્ય પછાત વર્ગ (OBC) અને લઘુમતીઓના અવાજને બુલંદ કરી રહ્યા છે, તે જ રીતે અમારી પાર્ટી ઉત્તર પ્રદેશમાં આ વર્ગો માટે લડી રહી છે. બંનેની વિચારધારા એકસરખી હોવાથી અમે ગઠબંધન સાથે મળીને ચૂંટણીના મેદાનમાં ઉતરીશું."
સ્વામી પ્રસાદ મૌર્યના આ પગલાથી પછાત અને દલિત વર્ગના મતદારોને એકજૂથ કરવામાં INDIA ગઠબંધનને નવું બળ મળશે તેમ માનવામાં આવી રહ્યું છે. સીટ વહેંચણી અને આગામી ચૂંટણી કાર્યક્રમ અંગે ટૂંક સમયમાં ગઠબંધનના નેતાઓ સાથે બેઠક યોજાશે.

