રામ મંદિર દાન વિવાદ વચ્ચે સીએમ યોગી આવતી કાલે જશે અયોધ્યા, ચંપત રાયને CMના કાર્યક્રમથી દૂર રહેવા નિર્દેશ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શુક્રવારે અયોધ્યાના પ્રવાસે જવાના છે ત્યારે પ્રસ્તાવિત કાર્યક્રમોમાં શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં દર્શન-પૂજનનો પણ સમાવેશ થાય છે. રામ મંદિરના ચઢાવા (દાન) પ્રકરણને લઈને ચાલી રહેલા વિવાદો વચ્ચે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયને મુખ્યમંત્રીના મંદિર કાર્યક્રમથી દૂર રાખવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેર કરાયેલા સુરક્ષા અને પ્રોટોકોલ સંબંધિત નિર્દેશો અંતર્ગત ચંપત રાયને ઉદ્દેશીને કહેવાયું છે કે, મુખ્યમંત્રીના રામ મંદિર દર્શન-પૂજન કાર્યક્રમની વ્યવસ્થા માટે તેઓ અન્ય કોઈ વ્યક્તિને પોતાના પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરે અને તેની માહિતી ડ્યુટી મેજિસ્ટ્રેટના CUG નંબર પર ઉપલબ્ધ કરાવે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, રામ મંદિરના ચઢાવાને લઈને વિવાદ અને તપાસનો મામલો જોરશોરથી ચર્ચામાં છે. ત્યારે આવો નિર્દેશ રાજકીય અને વહીવટી વર્તુળોમાં એક મહત્વપૂર્ણ સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે. જો કે, વહીવટીતંત્ર કે ટ્રસ્ટ તરફથી આ નિર્ણય કયા કારણે લેવામાં આવ્યો છે તે અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ સુરક્ષા પ્રોટોકોલમાં પ્રતિનિધિ નિયુક્ત કરવાના નિર્દેશે ચર્ચાઓ વધુ તેજ કરી દીધી છે.
SIT કરી રહી છે મામલાની તપાસ
અયોધ્યા રામમંદિરમાં દાનપેટીમાં ચોરી મામલો સામે આવ્યા બાદ યોગી સરકારે SITની રચના કરી છે. હાલમાં SIT તીર્થ ક્ષેત્રમાં દાન ચોરી મામલે લાગેલા આરોપોની તપાસ કરીને સરકારને પોતાનો રિપોર્ટ સોંપશે. આ SITના સભ્યો લખનૌના કમિશનર વિજય વિશ્વાસ પંત, આઈજી રેન્જ કિરણ એસ. અને વિશેષ સચિવ (નાણાં) નીલ રતન કુમાર તપાસ કરીને જલદીથી રિપોર્ટ તૈયાર કરશે. જણાવી દઈએ કે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ચંપત રાય મહાસચિવ છે. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, અફવાઓ પર રોક લગાવવા અને મામલાની સત્યતા સામે લાવવા માટે આની ઊંડી તપાસ થવી જરૂરી છે.

