કેરલમમાં મંત્રીમંડળના ખાતાની ફાળવણી ઃ CM સતીશને 35 વિભાગ પોતાની પાસે રાખ્યા, ચેન્નીથલા બન્યા ગૃહમંત્રી

કેરલમમાં મંત્રીમંડળના ખાતાની ફાળવણી, CM સતીશને 35 વિભાગ પોતાની પાસે રાખ્યા, ચેન્નીથલા બન્યા ગૃહમંત્રી
કેરલમના મુખ્યમંત્રી વી.ડી. સતીશને બુધવારે યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) સરકારના મંત્રીમંડળમાં વિભાગોની વહેંચણી કરી દીધી છે. મુખ્યમંત્રીએ નાણાં, કાયદો, સામાન્ય વહીવટ અને બંદર જેવા અત્યંત મહત્વના અનેક મુખ્ય વિભાગો પોતાની પાસે જ રાખ્યા છે. જ્યારે નવી કેબિનેટમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રમેશ ચેન્નીથલાને ગૃહ અને તકેદારી (વિજિલન્સ) જેવા ચાવીરૂપ મંત્રાલયોની સાથે અન્ય ત્રણ વિભાગોની જવાબદારી સોંપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી સતીશન અને તેમના સાથી મંત્રીઓએ ગત ૧૮ મેના રોજ શપથ ગ્રહણ કર્યા હતા, જેના આધારે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે મુખ્યમંત્રીની ખાતા ફાળવણીની ભલામણોને મંજૂરી આપી દીધી છે. ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML)ના અગ્રણી નેતા પી.કે. કુન્હાલીકુટ્ટીને ઉદ્યોગ અને વાણિજ્ય, માહિતી ટેકનોલોજી (IT), આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), સ્ટાર્ટઅપ, માઇનિંગ તેમજ હેન્ડલૂમ અને ટેક્સટાઇલ સહિત કુલ ૭ વિભાગો સોંપાયા છે.
બીજી તરફ, કેરલમ પ્રદેશ કોંગ્રેસ સમિતિ (KPCC)ના વડા સની જોસેફને વીજળી, પર્યાવરણ અને સંસદીય બાબતોનો પ્રભાર મળ્યો છે. જ્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કે. મુરલીધરન આરોગ્ય, દેવસ્વોમ, ફૂડ સેફ્ટી અને મેડિકલ એજ્યુકેશન સહિત સાત વિભાગોનું નેતૃત્વ કરશે. આ ઉપરાંત રોઝી એમ. જોનને ઉચ્ચ શિક્ષણ, એ.પી. અનિલ કુમારને જમીન અને મહેસૂલ તેમજ એન. શમસુદ્દીનને શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા છે.
સાથી પક્ષોને પણ મળી મહત્ત્વની જવાબદારી
મંત્રીમંડળમાં સામેલ અન્ય સાથી પક્ષોની વાત કરીએ તો, રેવોલ્યુશનરી સોશિયલિસ્ટ પાર્ટી (RSP)ના ધારાસભ્ય શિબુ બેબી જોનને વન અને વન્યજીવ સંરક્ષણ તેમજ કૌશલ્ય વિકાસ વિભાગ સોંપવામાં આવ્યો છે. આ સિવાય કેરલમ કોંગ્રેસ (જોસેફ) ક્વોટામાંથી મંત્રી બનેલા મોન જોસેફને સિંચાઈ, ભૂગર્ભ જળ, પાણી પુરવઠો, સ્વચ્છતા અને આવાસ વિભાગની જવાબદારી સોંપાઈ છે.
કેરલમ કેબિનેટ વિસ્તરણ
વી. ડી. સતીશન (CM) : નાણાં, કાયદો, સામાન્ય વહીવટ, બંદર અને અન્ય ૩૧ વિભાગો (કુલ ૩૫)
રમેશ ચેન્નીથલા: ગૃહ, વિજિલન્સ અને અન્ય ત્રણ વિભાગો
પી. કે. કુન્હાલીકુટ્ટી: ઉદ્યોગ, આઇટી, ટેક્સટાઇલ અને અન્ય ચાર વિભાગો
સની જોસેફ: વીજળી અને પર્યાવરણ
કે. મુરલીધરન: આરોગ્ય અને દેવસ્વમ
રોઝી એમ. જોન: ઉચ્ચ શિક્ષણ
એ. પી. અનિલ કુમાર: જમીન અને મહેસૂલ
સાંપ્રદાયિકતા સામે કોઈ સમજૂતી નહીં થાય": મુખ્યમંત્રી સતીશન
મંત્રીમંડળની બેઠક બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી વી.ડી. સતીશને સરકારના વલણને સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતૃત્વ હેઠળના મોરચા (UDF)ના ધર્મનિરપેક્ષ (સેક્યુલર) વલણ સાથે કોઈ પણ પ્રકારની સમજૂતી કરવામાં આવશે નહીં. અમારું ધર્મનિરપેક્ષ વલણ અત્યંત મજબૂત છે અને તેમાં કોઈ ફેરફાર થશે નહીં. જે કોઈ પણ વ્યક્તિ સાંપ્રદાયિકતાની ભાષા બોલશે, તેનો આ સરકાર દ્વારા કડક વિરોધ કરવામાં આવશે. આ UDFનો દ્રઢ સંકલ્પ છે.

