Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : All ministries will work under one roof in 'Seva Tirtha'

VIDEO: બદલાઈ ગયું PM MODIનું સરનામું, 'સેવા તીર્થ'માં એક જ છત નીચે કામ કરશે તમામ મંત્રાલયો

Timeછેલ્લું અપડેટ : 13 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : google

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શુક્રવારે તેમના નવા કાર્યાલય 'સેવા તીર્થ'માં શિફ્ટ થવા જઈ રહ્યા છે. પીએમ મોદી આ નવા બિલ્ડિંગ કોમ્પ્લેક્સના નામનું અનાવરણ કરશે અને સાંજે 6:00 વાગ્યે 'સેવા તીર્થ' તથા 'કર્તવ્ય ભવન-1 અને 2'નું ઉદ્ઘાટન કરીને જનતાને સંબોધિત કરશે.

App Store

પીએમ મોદી નવા કાર્યાલયમાં શિફ્ટ થતા પહેલા આજે સાંજે 4:00 વાગ્યે જૂના સાઉથ બ્લોકમાં કેબિનેટની એક વિશેષ અને ઐતિહાસિક બેઠક કરશે, જે આ બિલ્ડિંગમાં સરકારની અંતિમ બેઠક સાબિત થશે.

આ સાથે જ છેલ્લા 78 વર્ષથી દેશની સત્તાના મુખ્ય કેન્દ્ર ગણાતા નોર્થ અને સાઉથ બ્લોકમાં સરકારી કામકાજનો આજે છેલ્લો દિવસ હતો. હવેથી પીએમઓ અને અન્ય મહત્ત્વના મંત્રાલયોનું સંચાલન નવનિર્મિત 'કર્તવ્ય ભવન-1 અને 2' માંથી કરવામાં આવશે, જ્યાં કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો માટે અત્યાધુનિક સુવિધાઓ સાથેની નવી ઓફિસો તૈયાર કરવામાં આવી છે.

₹1189 કરોડના ખર્ચે તૈયાર થયું 'સેવા તીર્થ': જાણો પીએમના નવા કાર્યાલયની ખાસિયતો

નામ અને અર્થ:

'સેવા તીર્થ' એટલે 'સેવા કરવાનું સ્થાન'. અગાઉ તેનું નામ 'એક્ઝિક્યુટિવ એન્ક્લેવ' હતું, જે ડિસેમ્બર 2025માં બદલીને 'સેવા તીર્થ' કરવામાં આવ્યું છે.

ક્યાં આવેલું છે? 

આ નવું સંકુલ નવી દિલ્હીના દારા શિકોહ રોડ પર અંદાજે 5 એકર(2.26 લાખ ચોરસ ફૂટ) વિસ્તારમાં ફેલાયેલું છે, જેનું નિર્માણ L&T કંપનીએ કર્યું છે.

ત્રણ મુખ્ય ઇમારતો:

- સેવા તીર્થ-1: જેમાં વડાપ્રધાન કાર્યાલય(PMO) હશે.
- સેવા તીર્થ-2: અહીં કેબિનેટ સચિવાલય કાર્યરત થશે.
- સેવા તીર્થ-3: આ બિલ્ડિંગમાં નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ અને NSA અજીત ડોભાલની ઓફિસ હશે.
- નવું નિવાસસ્થાન: નવા PMOની નજીક જ વડાપ્રધાનનું નવું આવાસ પણ બની રહ્યું છે. કામ પૂરું થયા પછી પીએમ મોદી 7, લોક કલ્યાણ માર્ગ છોડીને અહીં રહેવા આવશે.

કર્તવ્ય ભવનમાં મહત્ત્વના મંત્રાલયો અને સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ

મહત્ત્વના મંત્રાલયોનું નવું સરનામું: કર્તવ્ય ભવન-1 અને 2માં નાણાં, સંરક્ષણ, આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને કાયદા મંત્રાલય સહિત અનેક મહત્ત્વના સરકારી વિભાગોને જગ્યા આપવામાં આવી છે. હવે આ તમામ મુખ્ય મંત્રાલયો અહીંથી જ કામ કરશે.
ગૃહ મંત્રાલય પણ શિફ્ટ થયું: અગાઉ, દેશનું ગૃહ મંત્રાલય છેલ્લા 90 વર્ષથી નોર્થ બ્લોકમાંથી ચાલતું હતું, જે હવે જનપથ પર બનેલી નવી બિલ્ડિંગમાં શિફ્ટ થઈ ગયું છે. ત્યાં તેમને 347 રૂમ ફાળવવામાં આવ્યા છે.
સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો ભાગ: સેવા તીર્થ અને કર્તવ્ય ભવન બંને 'સેન્ટ્રલ વિસ્ટા રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ' હેઠળ બનાવવામાં આવ્યા છે. આ જ પ્રોજેક્ટના ભાગરૂપે નવું સંસદ ભવન અને કર્તવ્ય પથ પણ તૈયાર કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ભવનથી લઈને ઈન્ડિયા ગેટ સુધીની ઇમારતોનો વિકાસ આ પ્રોજેક્ટ હેઠળ થઈ રહ્યો છે.

કર્તવ્ય ભવનની આધુનિક સુવિધાઓ અને ટેકનોલોજી

હાઈટેક અને ડિજિટલ ઓફિસ: કર્તવ્ય ભવન-1 અને 2 સંપૂર્ણપણે ડિજિટલ ટેકનોલોજીથી સજ્જ છે. અહીં લોકો માટે પબ્લિક એરિયા અને સેન્ટ્રલાઈઝ્ડ રિસેપ્શનની સુવિધા છે, જેથી સરકારી કામકાજમાં ઝડપ આવશે અને લોકો માટે પ્રક્રિયા સરળ બનશે.
પર્યાવરણનું જતન: આ બિલ્ડિંગ્સને '4-સ્ટાર GRIHA' રેટિંગ મળેલું છે. એટલે કે અહીં સોલર એનર્જી, પાણી બચાવવાની સિસ્ટમ અને વેસ્ટ મેનેજમેન્ટ જેવી અત્યાધુનિક વ્યવસ્થાઓ છે, જે પર્યાવરણને નુકસાન થતું અટકાવશે.
ચુસ્ત સુરક્ષા: ઓફિસમાં સ્માર્ટ એક્સેસ કંટ્રોલ, હાઈ-ટેક સીસીટીવી નેટવર્ક અને ઈમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ મૂકવામાં આવી છે, જેથી અધિકારીઓ અને મુલાકાતીઓ સુરક્ષિત રહે.
આધુનિક કન્વેન્શન સેન્ટરનું નિર્માણ: પીએમ મોદીએ 6 ઓગસ્ટ, 2025ના રોજ 'કર્તવ્ય ભવન-3'નું ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં ગૃહ અને વિદેશ મંત્રાલય જેવી મહત્ત્વની ઓફિસ આવેલી છે. આ સમગ્ર પ્રોજેક્ટમાં કુલ 10 ઓફિસ બિલ્ડિંગ અને એક મોટું કન્વેન્શન સેન્ટર બનવાનું છે.

નોર્થ-સાઉથ બ્લોક બનશે દુનિયાનું મોટું મ્યુઝિયમ અને નવી ઓફિસની જરૂરિયાત

યુગે-યુગેન ભારત મ્યુઝિયમ: સરકાર નોર્થ અને સાઉથ બ્લોકની ઐતિહાસિક ઇમારતોને 'યુગે-યુગેન ભારત નેશનલ મ્યુઝિયમ'માં ફેરવશે. આ એક વર્લ્ડ ક્લાસ મ્યુઝિયમ હશે જ્યાં ભારતની હજારો વર્ષ જૂની સભ્યતાના દર્શન થશે.
વિશાળ કલેક્શન: અહીં અંદાજે 25થી 30 હજાર જેટલી દુર્લભ કલાકૃતિઓ રાખવામાં આવશે, જે તેને દુનિયાના સૌથી મોટા મ્યુઝિયમમાંનું એક બનાવશે.

કેમ પડી નવી બિલ્ડિંગની જરૂર?

જૂની બિલ્ડિંગમાં ઓફિસો વેરવિખેર હોવાથી કામકાજમાં વિલંબ થતો હતો અને મેન્ટેનન્સનો ખર્ચ પણ સતત વધી રહ્યો હતો. કર્મચારીઓ માટે પણ ત્યાં પૂરતી સુવિધાઓ નહોવાથી નવી બિલ્ડીંગ બનાવવાની ફરજ પડી. 

આધુનિક વહીવટ: આ સમસ્યાઓ દૂર કરવા માટે જ નવું કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે. હવે તમામ સરકારી કામકાજ એક જ જગ્યાએથી આધુનિક અને હાઈટેક સુવિધાઓ સાથે ચાલશે, જેનાથી સમય અને નાણાં બંનેની બચત થશે.