Air India 1 સપ્ટેમ્બરથી દિલ્હી-વોશિંગ્ટન ડીસીની ફ્લાઇટ્સ કરશે બંધ

એર ઇન્ડિયાએ દિલ્હીથી વોશિંગ્ટન ડીસીની ફ્લાઇટ્સ બંધ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ સોમવારે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે તે 1 સપ્ટેમ્બરથી દિલ્હીથી વોશિંગ્ટન ડીસીની ફ્લાઇટ્સ બંધ કરી રહી છે. એર ઇન્ડિયાએ કહ્યું કે, આ નિર્ણય અનેક ઓપરેશનલ કારણોસર લેવામાં આવ્યો છે. એર ઇન્ડિયાની દિલ્હી-વોશિંગ્ટન ડીસી ફ્લાઇટ્સ સ્થગિત કરવાનો નિર્ણય એરલાઇન્સે તેના બોઇંગ ફ્લીટને રિટ્રોફિટ કરવાનું શરૂ કર્યા પછી તરત જ લીધો છે. એરલાઇન્સે ગયા મહિને તેના 26 બોઇંગ 787-8 વિમાનને રિટ્રોફિટ કરવાનું શરૂ કર્યું હતું.
વિમાનોની ઘટને લીધે લીધો નિર્ણય
એરલાઇન્સે પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, દિલ્હીથી વોશિંગ્ટન ડીસી સુધીની ફ્લાઇટ્સ બંધ કરવાનો નિર્ણય પ્લેનની ઘટને લીધે લેવાયો છે. ગત મહિનાથી 26 બોઇંગ 787-8 વિમાનને રિટ્રોફિટ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. એરલાઈને કહ્યું, ગ્રાહકોના અનુભવને ઉત્તમ બનાવવા મોટાપાયે રેટ્રોફિટ પ્રોગ્રામની જરૂર છે. આ કારણે ઘણા વિમાનો 2026 ના અંત સુધી સેવા આપી શકશે નહીં. એર ઈન્ડિયાએ પાકિસ્તાની હવાઈ ક્ષેત્રના સતત બંધ રહેવાનો પણ ઉલ્લેખ કર્યો, જેના કારણે ફ્લાઇટ્સનો રૂટ લંબાયો છે. જેને પગલે લાંબા રૂટની સર્વિસમાં ઓપરેશનલ પડકારોમાં વધારો થયો છે.
એર ઈન્ડિયાએ જણાવ્યું કે, સપ્ટેમ્બર પછી દિલ્હી-વોશિંગ્ટન રૂટ પર ટિકિટ બુકિંગ કરાવનારા પ્રવાસીઓનો સપંર્ક કરવામાં આવશે. તેમને અન્ય ફ્લાઇટ્સ પર ફરીથી બુકિંગ કરવા અથવા તો પસંદગી મુજબ સંપૂર્ણ રિફંડ સહિત વિકલ્પો પૂરા પાડવામાં આવશે. સસ્પેન્શન હોવા છતાં, એર ઈન્ડિયાના ગ્રાહકો ન્યૂ યોર્ક (JFK), નેવાર્ક (EWR), શિકાગો અને સાન ફ્રાન્સિસ્કો થઈને વન-સ્ટોપ કનેક્શન દ્વારા વોશિંગ્ટન, ડી.સી. જઈ શકશે.

