યુપી પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા પેપર લીકના છેડા અમદાવાદ સાથે જોડાયા, કંપનીનો માલિક વિદેશ ભાગ્યો

ઉત્તર પ્રદેશ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં પેપર લીક મામલે ગુજરાત કનેક્શન સામે આવ્યું છે. યુપી પોલીસે પરીક્ષા કરાવવાની જવાબદારી ગુજરાતની પ્રાઇવેટ કંપની એજુટેસ્ટને આપી હતી. અમદાવાદના ગોડાઉનમાંથી યુપી પોલીસની પરીક્ષાનું પેપર લીક કરવામાં આવ્યું હતું. હવે અમદાવાદની કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. કંપનીનો માલિક વિનીત આર્ય વિદેશ ભાગી ગયો છે.
યુપી પોલીસ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષામાં મોટો ખુલાસો
ઉત્તર પ્રદેશ પોલીસ કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા પેપર લીક કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. UP સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (UPSTF) ના રિપોર્ટ બાદ કોન્સ્ટેબલની ભરતીની પરીક્ષા આપતી કંપની Edutestને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. યુપી પોલીસની પરીક્ષા કરાવનારી અમદાવાદની કંપની એજુટેસ્ટને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. એજુટેસ્ટનો માલિક વિનીત આર્યા અમેરિકા ભાગી ગયો છે. STFની તપાસમાં ટ્રાન્સપોર્ટ કંપનીની ભૂમિકા જોવા મળી નથી. મળતી માહિતી અનુસાર લખનૌ-યુપી પોલીસમાં સિપાહીની ભરતી પરીક્ષાનું પેપર અમદાવાદના ગોડાઉનમાંથી લીક કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
યુપી પોલીસ કોન્સ્ટેબલની ભરતી પરીક્ષાની જવાબદારી Edutestને આપવામાં આવી હતી. આ કંપનીએ જ પોલીસ કોન્સ્ટેબલની ભરતી પરીક્ષાનું પેપર પહોંચાડવા માટે નોઇડાની લોજિસ્ટિક કંપનીને ઠેકો આપ્યો હતો. એજુટેસ્ટના લોકોએ ટ્રાન્સપોર્ટ કંપનીના વેરહાઉસની મુલાકાત લીધી હતી. વેરહાઉસમાં રાખેલા બોક્સમાંથી જ રાજીવ નયન મિશ્રાના કહેવા પર શુભમ મંડલને બોલાવ્યા હતા અને ભરતીનું પેપર કઢાવ્યું હતું.
STFની તપાસમાં આ વાત સામે આવ્યા બાદ એજુટેસ્ટના માલિક વિનીત આર્યને ચાર વખત નોટિસ મોકલીને બોલાવવામાં આવ્યો હતો પરંતુ તે એક પણ વખત પૂછપરછ માટે હાજર થયો નહતો. મળતી માહિતી અનુસાર STFની તપાસ શરૂ થતા જ વિનીત આર્ય અમેરિકા ભાગી ગયો હતો.
મહત્ત્વપૂર્ણ છે કે ઉત્તર પ્રદેશ સરકારે ફેબ્રુઆરી 2024માં પેપર લીકને કારણે 60,244 પદ પરની યુપી પોલીસ કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા રદ કરી નાખી હતી. આ પરીક્ષા માટે 48 લાખથી વધુ ઉમેદવારોએ અરજી કરી હતી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પરીક્ષા રદ કરતા છ મહિનાની અંદર ફરી પરીક્ષા યોજવાનું આશ્વાસન આપ્યુ હતું.

