'ફેક એન્કાઉન્ટર કરાવે છે સરકાર', બહરાઇચની ઘટના બાદ કોંગ્રેસ-સપાએ ઉઠાવ્યા સવાલ

ઉત્તર પ્રદેશના બહરાઇચમાં દુર્ગાની પ્રતિમાના વિસર્જન દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. આ ઘટનામાં રામગોપાલ મિશ્રાની હત્યા કરનારા આરોપીઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. પોલીસ સાથે અથડામણમાં બે લોકોને ગોળી લાગી છે. આ ઘટનામાં 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેમાં 2 પોલીસ એન્કાઉન્ટરમાં ઘાયલ થયા છે. બહરાઇચના પોલીસ વડા વૃંદા શુકલાએ કહ્યું કે સરફરાઝ અને મોહમ્મદ તાલિબને ગોળી લાગી છે.બહરાઇચની ઘટનાને લઇને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે.
બહરાઇચમાં કલમ 163 લાગુ
બહરાઇચમાં કલમ 163 લગાવવામાં આવી છે. લોકોને અપીલ કરવામાં આવી છે કે તે પોતાના ઘરમાં જ રહે. બહાર પણ ચાર કે તેથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
આ એન્કાઉન્ટર નહીં પણ હત્યા- અખિલેશ યાદવ
બહરાઇચ એન્કાઉન્ટરને લઇને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.અખિલેશ યાદવે કહ્યું કે, આ એન્કાઉન્ટર નથી હત્યાઓ કરી રહ્યાં છે.આ વહેંચો અને રાજ કરોની નીતિ છે. સરકારની નિષ્ફળતાથી આ ઘટના બની છે. સરકાર કંઇક સંતાવી રહી છે."
સરકારની નિષ્ફળતા સંતાડવા ફેક એન્કાઉન્ટર કરવામાં આવ્યું- કોંગ્રેસ
બહરાઇચ એન્કાઉન્ટર પર ઉત્તર પ્રદેશના કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય રાયે કહ્યું, "સરકાર શરૂઆતથી જ ફેક એન્કાઉન્ટર કરાવી રહી છે..તે માત્ર પોતાની નિષ્ફળતાને સંતાડવાનો પ્રયાસ કરી રહી છે.."
કોંગ્રેસના સાંસદ ઇમરાન મસુદે કહ્યું, "દુકાનો સળગાવનારાઓને પણ સજા મળવી જોઇએ. દંગાઇઓને કેમ કોઇ ધર્મ સાથે જોડો છો? જેમને આખુ બજાર સળગાવી દીધું અને મહિલાઓ સાથે દુર્વ્યવહાર કર્યો તેમને પણ સજા મળવી જોઇએ".
સમાજવાદી પાર્ટીના નેતા રવિદાસ મેહરોત્રાએ કહ્યું, "બહરાઇચમાં જે હિંસા, આગ અને લૂંટફાટની ઘટનાઓ બની છે તેમાં પોલીસ, તંત્ર અને સરકારની પુરી નિષ્ફળતા હતી. કેટલાક કલાકો સુધી બહરાઇચમાં આગ લગાવવામાં આવી. ત્યાં પોલીસ ના પહોંચી, તંત્ર ના પહોંચ્યું અને રમખાણ ફાટી નીકળ્યા...તેમાં પૂર્ણ રીતે પોલીસ-તંત્ર દોષી છે જેમને ખબર હતી કે નવરાત્રિ બાદ લોકો ત્યાં જશે...રાજ્ય સરકાર અને ત્યાંનું તંત્ર આ ઘટના માટે જવાબદાર છે."

