જમ્મુના કિશ્તવાડ- ધરાલી બાદ ડોડામાં વાદળ ફાટ્યું, પૂરમાં અનેક ઘર વહી ગયા; 4ના મોત
જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના થાથરી સબ-ડિવિઝનમાં વાદળ ફાટવાની ઘટનાથી ભારે વિનાશ સર્જાયો છે. કુદરતી આફતને લીધે અનેક ઘરો નાશ પામ્યા છે. સ્થાનિકોમાં ગભરાટનો માહોલ છે. ગઈકાલથી આવેલા અચાનક પૂરને કારણે અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય ઝડપથી શરૂ કરવામાં આવ્યું છે.
ડોડામાં પહાડો પરથી પૂર આવ્યું
પ્રશાસન દ્વારા સાંજ સુધીમાં ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. વાદળ ફાટવાની ઘટના બાદ વિસ્તારમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. ભારે વરસાદ પાણી પાણીના પ્રવાહથી રસ્તામાં આવતા વૃક્ષો અને ઘરોને ભારે નુકસાન થયું છે. ડોડામાં વાદળ ફાટ્યા બાદ ઘણા ઘરો પાણીમાં ધોવાઈ ગયા છે અને કેટલાક ઘરોને નુકસાન થયું છે. સ્થાનિક લોકોની જીવનભરની કમાણી કુદરતના પ્રકોપનો ભોગ બની છે. ઘરોમાંથી સ્થાનિક લોકો પોતાની કિંમતી વસ્તુઓ કાઢીને સલામત સ્થળે જવા મજબૂર છે.
શહેરમાં નદીનું પાણી ઘૂસી ગયું
નદીઓ છલકાતાં શહેરોની બજારોમાં ઘૂસી ગયું છે. આવી સ્થિતિમાં કોઈ પણ અકસ્માત ટાળવા માટે ઘણા રસ્તાઓ બંધ કરવા પડ્યા છે. વહીવટીતંત્રે અસરગ્રસ્ત વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાનું પણ શરૂ કરી દીધું છે.
રામબન વિસ્તારમાં ભારે ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પણ બંધ થઈ ગયો છે. ભારે વરસાદની સાથે સમગ્ર જમ્મુમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને તાવી નદીમાંથી આવેલા પૂર બાદ પાણી રહેણાંક વિસ્તારોમાં પ્રવેશી રહ્યું છે. જમ્મુમાં નદી કિનારે આવેલા ઘણા વિસ્તારો સંપૂર્ણપણે ડૂબી ગયા છે અને નુકસાન ટાળવા માટે વહીવટીતંત્રે આ વિસ્તારોને ખાલી કરાવ્યા છે.
ડોડા અને કિશ્તવાડ જિલ્લામાં ઍલર્ટ
વરસાદ ચાલુ હોવાથી પરિસ્થિતિ ગંભીર છે. વહીવટીતંત્રે ડોડા અને કિશ્તવાડ જિલ્લામાં ઍલર્ટ જાહેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ 14 ઓગસ્ટના રોજ કિશ્તવાડ જિલ્લાના ચાસોટી ગામમાં વાદળ ફાટવાથી 65 લોકો માર્યા ગયા હતા અને 200 લોકો ગુમ થયા હતા. તે અકસ્માતમાં મચૈલ માતા યાત્રા માટે આવેલા ઘણાં શ્રદ્ધાળુઓ, તેમની બસો, તંબુઓ અને દુકાનો ધોવાઈ ગઈ હતી.

