VIDEO : કર્ણાટક રાજકારણમાં ભારે ઉથલપાથલ: દિલ્હીમાં બેઠકોનો દોર, કોંગ્રેસે સીએમ બદલવાની અટકળો ફગાવી
કર્ણાટકના રાજકારણમાં લાંબા સમયથી ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે મંગળવારે નવી દિલ્હીમાં હાઈ-લેવલ બેઠકોનો દોર ચાલ્યો હતો. મુખ્યમંત્રી પદને લઈને સિદ્ધારમૈયા અને ડી.કે. શિવકુમાર વચ્ચે ચાલી રહેલી ટક્કર અંતર્ગત કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે અનેક રાઉન્ડની ચર્ચાઓ થઈ હતી. આ મહત્વની બેઠક પૂર્ણ થયા બાદ કોંગ્રેસે તમામ પ્રકારની અટકળોનો અંત આણવાનો પ્રયાસ કર્યો છે.
કોંગ્રેસ નેતા કે.સી. વેણુગોપાલની સ્પષ્ટતા
આ હાઈ-લેવલ બેઠક બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કે.સી. વેણુગોપાલે મીડિયા સાથે વાતચીત કરતા તમામ રાજકીય અટકળોને ફગાવી દીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, "આજની બેઠકમાં માત્ર રાજ્યસભા ચૂંટણી અને એમએલસી (MLC) ચૂંટણીને લઈને જ વિગતવાર ચર્ચા થઈ છે. મીડિયામાં જે પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે તેમાં કોઈ સત્ય નથી. આ મીટીંગમાં સીએમ સિદ્ધારમૈયા, ડેપ્યુટી સીએમ ડી.કે. શિવકુમાર અને રણદીપ સુરજેવાલા હાજર રહ્યા હતા અને સમગ્ર વાતચીત આગામી ચૂંટણીઓની રણનીતિ પર જ કેન્દ્રિત હતી."
તેમણે વધુમાં ઉમેર્યું કે, "આવી ખોટી અટકળો લગાવવાનું બંધ થવું જોઈએ. કર્ણાટકની રાજ્યસભા અને વિધાન પરિષદની બેઠકો માટેના ઉમેદવારોના નામની જાહેરાત અન્ય રાજ્યોના ઉમેદવારોની સાથે જ કરવામાં આવશે. આજે અમે માત્ર આ જ નિર્ણય લીધો છે અને આ સિવાય અન્ય કોઈ ચર્ચા થઈ નથી."
જણાવી દઈએ કે, સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એવું કહેવાતું હતું કે, આ બેઠકમાં હાઈકમાન્ડ દ્વારા સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી પદ છોડવા માટે કહેવામાં આવ્યું હતું. કોંગ્રેસ હાઈકમાન્ડે તેમને રાજ્યસભામાં મોકલવાની અને દિલ્હીમાં મોટી સંગઠનાત્મક જવાબદારી સોંપવાની ખાતરી આપી હતી, પરંતુ સિદ્ધારમૈયા આ પ્રસ્તાવ માટે તૈયાર થયા નહોતા. સૂત્રોએ એમ પણ જણાવ્યું કે, હાઈકમાન્ડે સિદ્ધારમૈયાને આશ્વાસન આપ્યું હતું કે તેમની અન્ય તમામ ચિંતાઓ અને બાબતોનું ધ્યાન રાખવામાં આવશે, તેમ છતાં તેઓ સીએમ પદ છોડવા રાજી નહોતા. પરંતુ આ બધી અટકળો ઉપર પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે સ્પષ્ટતા કરી દીધી છે.

