VIDEO: હવે અયોધ્યામાં બદલાશે આખી વ્યવસ્થા? ટ્રસ્ટી બનતા જ એડવોકેટ પાંડેએ કર્યો આ મોટો ખુલાસો!
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં નવા ટ્રસ્ટી તરીકે વરિષ્ઠ અધિવક્તા મદન મોહન પાંડેની વરણી બાદ રામ મંદિર પરિસરની વ્યવસ્થાઓ અને સંગઠનને લઈને મહત્ત્વની હિલચાલ શરૂ થઈ છે. પદભાર સંભાળ્યા બાદ પોતાના પ્રથમ નિવેદનમાં તેમણે મંદિર સંચાલન અને આગામી આયોજન અંગે મહત્વના સંકેત આપ્યા છે.
ટ્રસ્ટી મદન મોહન પાંડેએ જણાવ્યું કે, "ટ્રસ્ટ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે મંદિરની સમગ્ર વ્યવસ્થાઓ અને સંગઠનાત્મક માળખાની ઝીણવટપૂર્વક સમીક્ષા કરવામાં આવશે." તેમણે વધુમાં સ્પષ્ટતા કરતાં ઉમેર્યું હતું કે, "હજુ સુધી મને કોઈ ચોક્કસ જવાબદારી સોંપવામાં આવી નથી. ટ્રસ્ટ જે પણ કાર્યભાર સોંપશે તેમાં અમે સંપૂર્ણ સહયોગ આપીશું."
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ અને પ્રાણપ્રતિષ્ઠા બાદ દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પહોંચી રહ્યા છે. આવી સ્થિતિમાં દર્શન વ્યવસ્થા, સુરક્ષા અને વહીવટી પ્રક્રિયાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે ટ્રસ્ટમાં નવા સભ્યોનો ઉમેરો અને સમીક્ષાની પ્રક્રિયા ખૂબ મહત્ત્વની માનવામાં આવી રહી છે. મદન મોહન પાંડેના નિવેદન બાદ આગામી દિવસોમાં ટ્રસ્ટના વહીવટી સ્તરે નવા ફેરફારો અને નવી જવાબદારીઓની વહેંચણી જોવા મળી શકે છે.

