VIDEO: અદાણી પરિવાર ફરી દેશના સૌથી અમીર, અંબાણી પરિવાર બીજા ક્રમે
M3M હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2026 જાહેર થયું છે. રિપોર્ટ મુજબ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને તેમનો પરિવાર ફરી દેશના સૌથી અમીર બિઝનેસમેન બન્યા છે. ગૌતમ અદાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પરિવારને પાછળ છોડી ટોચનું સ્થાન મેળવ્યું છે. અદાણી પરિવારની સંપત્તિમાં વાર્ષિક 13 ટકાનો વધારો નોંધાઈને કુલ સંપત્તિ 9.23 લાખ કરોડ રૂપિયા થઈ છે. જ્યારે મુકેશ અંબાણી અને પરિવારની સંપત્તિ 10 ટકા ઘટીને 8.63 લાખ કરોડ રૂપિયા થઈ છે. બંને પરિવારોની સંપત્તિ વચ્ચે 59,400 કરોડ રૂપિયાનું અંતર છે. દેશમાં ડોલર આધારિત અબજોપતિઓની સંખ્યા પણ વધીને 391 થઈ છે. હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2026માં મોટા આંકડા સામે આવ્યા છે. નવી યાદીમાં ઓછામાં ઓછી 1,000 કરોડ રૂપિયાની વ્યક્તિગત સંપત્તિ ધરાવતા 1,810 ધનિકોને સામેલ કરવામાં આવ્યા છે. આ તમામની સંયુક્ત સંપત્તિ ગયા વર્ષની સરખામણીમાં 12.8 ટકા વધીને 187.5 લાખ કરોડ રૂપિયા થઈ છે, જે ભારતના જીડીપીના લગભગ અડધા જેટલી છે.

