'રાહુલ ગાંધીને ઘરમાં ઘૂસીને ગોળી મારીશું', 25 કોંગ્રેસ સાંસદોને ધમકી આપનાર આરોપી ઝડપાયો

લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધી સહિત 25 કોંગ્રેસી સાંસદોની હત્યાની ધમકી આપનાર વ્યક્તિની રાજસ્થાનમાં ધરપકડ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધમકીભર્યો વીડિયો વાયરલ થયા બાદ કોટા પોલીસે આરોપી વિરુદ્ધ એક્શન લીધું. રાહુલ ગાંધી અને અન્ય સાંસદો પર લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાના અપમાનનો આરોપ લગાવતા આરોપીએ આવી ધમકી આપી હતી. તેની ઓળખ રાજ સિંહ આમેરા તરીકે થઈ છે. તે પોતાને કરણી સેના અને ભાજપાનો કાર્યકર્તા બતાવતા કહે છે કે, રાહુલ ગાંધીને ઘરમાં ઘૂસીને ગોળી મારીશું. તો ભાજપા એ કહ્યું કે આરોપીનો તેમની પાર્ટી સાથે કોઈ સંબંધ નથી.
કોટા શહેર પોલીસ અધિક્ષક તેજસ્વની ગૌતમે જણાવ્યું હતું કે પોલીસને એક વીડિયો મળ્યો હતો. જેમાં ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રેમ નગરનો રહેવાસી રાજ અમેરા નામનો એક યુવક કોંગ્રેસના સાંસદો અને રાહુલ ગાંધીને ગોળી મારવાની ધમકી આપી રહ્યો હતો. વીડિયોના આધારે પોલીસે ઝડપી કાર્યવાહી કરતા આરોપીની અટકાયત કરી હતી. વીડિયોમાં કરણી સેનાનો હોવાનો દાવો કરનાર વ્યક્તિએ સંસદમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાના ચેમ્બરમાં બનેલી ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, આ મામલાની તપાસ ચાલી રહી છે. આરોપીનો અગાઉનો ગુનાહિત રેકોર્ડ પણ છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેણે પ્રસિદ્ધિ મેળવવા માટે આવા વીડિયો બનાવ્યા અને પ્રસારિત કર્યા હતા.
રાજ સિંહ અમેરા વીડિયોમાં ઘણી વાંધાજનક ટિપ્પણીઓ કરતા જોવા મળે છે. તે ભાજપ કાર્યકર હોવાનો દાવો કરતા રાહુલ ગાંધીને ગોળી મારવાની ધમકી આપે છે. તે કહે છે કે, ભાજપના કાર્યકર્તાઓ તરીકે અમે ભારતીય સંસદમાં 25 કોંગ્રેસના સાંસદોએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને અપશબ્દો કહ્યા છે એની અમે સખત નિંદા કરીએ છીએ. આનાથી ભાજપ અને કરણી સેનાના કાર્યકરોમાં વ્યાપક ગુસ્સો ફેલાયો છે. જો આવી ઘટના ફરી બને તો અમે તે સાંસદોના ઘરોમાં ઘૂસીને તોડફોડ કરીશું. આ ઘટના રાહુલ ગાંધીના આદેશ પર બની હોઈ રાહુલ ગાંધી કાન ખોલીને સાંભળી લેજો.. જો આવી ઘટના ફરી બની તો અમે તમારા ઘરમાં ઘૂસીને ગોળી મારીશું. આ માટે વહીવટ સંપૂર્ણપણે જવાબદાર રહેશે. જો તે 25 સાંસદોની 24 કલાકની અંદર ધરપકડ નહીં કરવામાં આવે, તો અમે તે બધાને ગોળી મારીશું. ભલેને એના માટે અમારે જેલમાં જવું પડે.
આરોપીઓ સાથે કોઈ સંબંધ નથી ઃ ભાજપ
ભાજપ કોટા જિલ્લા પ્રમુખ રાકેશ જૈને એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, વાયરલ વીડિયોમાં દેખાતા વ્યક્તિ સાથે ભારતીય જનતા પાર્ટીને કોઈ લેવા દેવા નથી. ભાજપ રાષ્ટ્રનિર્માણ માટે પ્રતિબદ્ધ શિસ્તબદ્ધ કાર્યકરોનો પક્ષ છે. આવી ભાષા અને અભદ્ર વર્તન અમારી વિચારધારા અને નૈતિક મૂલ્યોની વિરુદ્ધ છે. લોકશાહી મૂલ્યો વિરુદ્ધના કોઈપણ કૃત્યને ભાજપ ક્યારેય સ્વીકારતું નથી. પોલીસે કાર્યવાહી કરતા આરોપીની ધરપકડ કરી છે. તેમણે કહ્યું કે, પ્રશાસનને અનુરોધ કરું છું કે, આવા તત્ત્વો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવે.

