દિલ્હીમાં 'આપ' ને ઝટકો; સિનિયર ધારાસભ્યનું રાજીનામું, નારાજગીનું આપ્યું આ કારણ
દિલ્હીમાં MCD પેટાચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને ઝટકો લાગ્યો છે. પૂર્વ ધારાસભ્ય શોએબ ઇકબાલે આપમાંથી રા

દિલ્હીમાં MCD પેટાચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને ઝટકો લાગ્યો છે. પૂર્વ ધારાસભ્ય શોએબ ઇકબાલે આપમાંથી રાજીનામું આપી દીધું છે. શોએબ ઇકબાલથી જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે, નિગમ પેટાચૂંટણીમાં વિસ્તારની બેઠક પર પાર્ટીએ આલે ઇકબાલ અને શોએબ ઇકબાલની મરજી વગર ઉમેદવારની જાહેરાત કરી દીધી, જેને લઈને શોએબ ઇકબાલ નારાજ થઈ ગયા અને રાજીનામું આપવાનો નિર્ણય લીધો. તેમણે કહ્યું કે, 'પાર્ટીની નીતિઓથી કંટાળીને રાજીનામું આપી રહ્યો છું.'
શોએબ ઇકબાલે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, 'આમ આદમી પાર્ટી દિલ્હીના લોકોની આશા પર ખરી ન ઉતરી શકી અને પાર્ટીની નીતિઓથી કંટાળીને રાજીનામું આપી રહ્યો છું. હવે મારે આમ આદમી પાર્ટી સાથે કોઈ સંબંધ નથી અને ક્યારેય સંબંધ નહીં રહે.'
મટિયા મહલથી 7 વખતના ધારાસભ્ય રહ્યા છે શોએબ ઇકબાલ
દિલ્હીના મટિયા મહલ વિધાનસભા વિસ્તારના શોએબ ઇકબાલ 7 વખત ધારાસભ્ય રહ્યા છે. 2020ની વિધાનસભા ચૂંટણીમાં શોએબને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી અને મટિયા મહલ બેઠકથી જીત મેળવી હતી, પરંતુ 2025ની ચૂંટણી માટે પાર્ટીએ તેમના દીકરા આલે ઇકબાલને ટિકિટ આપી હતી અને જીત પણ મેળવી હતી. શોએબ ઇકબાલનું કહેવું છે કે MCD પેટાચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાતમાં પાર્ટીએ સ્થાનિક કાર્યકર્તાઓની ભાવનાઓનું સન્માન ન કર્યું.
આમ આદમી પાર્ટીએ જાહેર કર્યા 12 ઉમેદવાર
આમ આદમી પાર્ટીએ રવિવાર (9 નવેમ્બર) ના રોજ દિલ્હીમાં આગામી MCD પેટાચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પાર્ટીએ 12 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જણાવી દઈએ કે, દિલ્હી નગર નિગમની 12 બેઠકો પર 30 નવેમ્બર 2025ના રોજ પેટાચૂંટણી યોજાવાની છે. જ્યારે 3 ડિસેમ્બરે પેટાચૂંટણીના પરિણામો જાહેર કરી દેવાશે.






