જીતવાનો નહીં પણ હારવાનો શોખ: 238 વખત હાર્યા છતાં આ વખતે ફરી લોકસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતરશે

દુનિયાનો કોઇ પણ વ્યક્તિ જીતવા માટે જ ચૂંટણી લડે છે પરંતુ તમિલનાડુમાં એક એવો પણ વ્યક્તિ છે જે હારવા માટે ચૂંટણી લડે છે. આ વ્યક્તિ એક કે બે વખત નહીં પણ 238 ચૂંટણી હારી ચુક્યા છે. આવતા મહિને યોજાનારી લોકસભા ચૂંટણીમાં પણ તે પોતાનું નસીબ અજમાવવા જઇ રહ્યાં છે. આટલી વખત ચૂંટણી હારવાને કારણે તેમણે વર્લ્ડ બિગેસ્ટ ઇલેક્શન લૂઝરની સિદ્ધિ મળી ચુકી છે. આટલું જ નહીં, લોકો તેમણે ઇલેક્શન કિંગ પણ કહે છે. આ વ્યક્તિનું નામ પદ્મરાજન છે.
દેશમાં લોકસભા ચૂંટણીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ચૂંટણી કોઇ પણ હોય, કે પદ્મરાજનનો ઉલ્લેખ જરૂર થાય છે. 65 વર્ષીય પદ્મરાજન આ વખતે ફરી ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યાં છે. તમિલનાડુના મેટ્ટૂરના રહેવાસી પદ્મરાજન ટાયર રિપેર શોપના માલિક છે. તે 1988થી ચૂંટણી લડી રહ્યાં છે. આ વર્ષે લોકસભા ચૂંટણીમાં તે ધર્મપુરી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. ઇલેક્શન કિંગના નામથી જાણીતા પદ્મરાજન રાષ્ટ્રપતિની ચૂંટણી પણ લડી ચુક્યા છે.
પ્રથમ વખત ચૂંટણી લડવા પર હસવા લાગ્યા હતા લોકો
પદ્મરાજન કહે છે કે જ્યારે તે પ્રથમ વખત ચૂંટણી લડવા ઉતર્યા ત્યારે લોકો તેમના પર હસવા લાગ્યા હતા. તે કહે છે, ‘તમામ ઉમેદવાર ચૂંટણીમાં પોતાની જીત ઇચ્છે છે પરંતુ મને હારવાનું પસંદ છે. મને જીતની ઇચ્છા નથી.’
અટલથી લઇને મોદી વિરૂદ્ધ લડી ચૂંટણી
પદ્મરાજન પીએમ મોદી વિરૂદ્ધ પણ ચૂંટણી લડી ચુક્યા છે. પદ્મરાજન પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, મનમોહન સિંહ સિવાય કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વિરૂદ્ધ પણ ચૂંટણી લડી ચુક્યા છે.
પદ્મરાજન કહે છે કે સામે કોણ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યો છે, તેની મને કોઇ ચિંતા નથી. મને પોતાની હારના સિલસિલાને આગળ વધારવું છે. પદ્મરાજનનું માનવું છે કે તે છેલ્લા ત્રણ દાયકામાં ચૂંટણીમાં એક કરોડ કરતા વધુ રૂપિયા ખર્ચ કરી ચુક્યા છે જેમાં સિક્યુરિટી રકમ પણ સામેલ છે. જમાનત જપ્ત થવા પર આ રકમ પરત મળતી નથી.
લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ
પદ્મરાજનનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ છે. તે ભારતના સૌથી અસફળ ઉમેદવાર છે. વર્ષ 2011ની ચૂંટણીમાં તેમણે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. વિધાનસભા ચૂંટણીમાં મેટ્ટૂરમાં તેમણે 6,273 મત મળ્યા હતા. આ બેઠક પર વિજેતા ઉમેદવારને 75 હજાર કરતા વધુ મત મળ્યા હતા.

