પંજાબમાં રેલ્વેની ગંભીર બેદરકારી, ગાંધીધામથી ઓઇલ ટેન્કર ભરીને નીકળેલી માલગાડી રસ્તો ભૂલી

પંજાબમાં રેલ્વેની ગંભીર બેદરકારી સામે આવી છે. હવાઇ જહાજ માટે તેલ લઇને જઇ રહેલી માલગાડીનો ડ્રાઇવર તેને કેટલાક કિલોમીટર દૂર લઇ ગયો હતો અને ખોટા રૂટ પર ટ્રેનને દોડાવતો રહ્યો હતો.
જ્યારે રેલ્વે વિભાગને તેની જાણકારી થઇ તો વિવાદ ઉભો થયો હતો. ઉતાવળમાં માલગાડીને નજીકના રેલ્વે સ્ટેશન પર ઉભી રાખવામાં આવી હતી. મહત્ત્વપૂર્ણ છે કે આ ટ્રેન ગાંધીધામથી પંજાબ ગઇ હતી.
ગુજરાતથી ઉપડી હતી માલગાડી
આ ઘટના શનિવાર 23 માર્ચનો છે. આ માલગાડી ગાંધીધામથી ઓઇલ ટેન્કર લઇને ગઇ હતી જેમાંથી 47 ટેન્કરમાં હવાઇ જહાજનું તેલ અને 3માં ડીઝલ ભરેલું હતું.
માલગાડીએ પંજાબમાં જાલંધરના સુચ્ચી પિંડ સ્થિત ઇન્ડિયન ઓઇલ સ્ટેશન પર જવાનું હતું. જોકે, માલગાડીનો ડ્રાઇવર તેને જાલંધરની જગ્યાએ પઠાણકોટ-જમ્મુ રૂટ પર લઇને જતો રહ્યો હતો. રેલ્વે વિભાગને જ્યારે તેની જાણ થઇ તો અધિકારીઓ ચોકી ગયા હતા. માલગાડીને તરત જ પંજાબના હોશિયારપુર સ્થિત મુકેરિયા રેલ્વે સ્ટેશન પર ઉભી રાખવામાં આવી હતી જ્યાથી તેને પરત જાલંધર માટે રવાના કરવામાં આવી હતી.
ડ્રાઇવર બદલાઇ ગયો હતો
ડ્યૂટી ચેન્જ થવાને કારણે માલગાડીનો ડ્રાઇવર લુધિયાણામાં બદલાઇ ગયો હતો. બીજા ડ્રાઇવરને જાણકારી નહતી કે ટ્રેનને જાલંધર લઇ જવાની છે.

