પશ્ચિમ બંગાળ મતદાર યાદીમાંથી 91 લાખ મતદાતાઓની છટણી, ચૂંટણીપંચે જિલ્લાવાર જાહેર કર્યું લીસ્ટ

પશ્ચિમ બંગાળ ચૂંટણી પંચે પ્રથમ વખત જિલ્લાવાર નવી મતદાર યાદી બહાર પાડી છે. આ યાદીમાંથી આશરે 91 લાખ મતદારોના નામ હટાવી દેવામાં આવ્યા છે. ઈલેક્શન કમિશને પહેલીવાર આ રીતે જિલ્લા મુજબ મતદારોની યાદી જાહેર કરી છે, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકોના નામ કાઢી નાખવામાં આવ્યા છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર કુલ 60,06,675 મતદારો તપાસ હેઠળ હતા, જેમાંથી 27,16,393 નામ દૂર કરવામાં આવ્યા છે.
જણાવી દઈએ કે, 28 ફેબ્રુઆરીના રોજ પ્રકાશિત થયેલી પ્રારંભિક અંતિમ યાદીમાં 63,66,952 લોકોના નામ કાઢી નાખવામાં આવ્યા હતા. અત્યાર સુધીની યાદી મુજબ મતદાર યાદીમાંથી હટાવવામાં આવેલા નામની સંખ્યા 91 લાખ (કુલ 90,83,345) જેટલી થઈ છે.
જોકે, ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે તપાસ હેઠળના 60,06,675 મતદારોમાંથી 59,84,512 વ્યક્તિઓની વિગતો જાહેર કરી દેવામાં આવી છે. બાકી રહેલા 22,163 મતદારોના વેરિફિકેશન કેસ ઉકેલી લેવાયા છે, પરંતુ તેમના પર હજુ સુધી Digital Signature થવાની બાકી છે. આ પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ, મતદાર યાદીમાંથી દૂર કરાયેલા મતદારોની સંખ્યામાં હજુ પણ વધારો થઈ શકે છે.
કયા જિલ્લામાં સૌથી વધુ મતદારો દૂર કરવામાં આવ્યા?
ચૂંટણી પંચે રાજ્યના એવા મતદારોની વિગતવાર યાદી પ્રકાશિત કરી છે જેમની સ્થિતિ સમીક્ષા હેઠળ હતી. પ્રથમ વખત રિપોર્ટમાં વિગતવાર જિલ્લા પ્રમાણે આંકડા રજૂ કરવામાં આવ્યા છે, જેમાં મતદારોને લાયક અથવા અયોગ્ય તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. કમિશનના સૂત્રો અનુસાર 60 લાખથી વધુ મતદારો ચકાસણી હેઠળ હતા. આમાંથી 32 લાખથી વધુને પાત્ર જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે આશરે 27 લાખ મતદાતાઓને અયોગ્ય જાહેર કરાયા છે.
મતદાર યાદીમાંથી સૌથી વધુ મતદારો મુર્શિદાબાદમાંથી દૂર કરાયા છે. મુર્શિદાબાદ જિલ્લામાંઆશરે 4,55,000 મતદારોને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે. ઉત્તર 24 પરગણામાંથી 3.25 લાખ મતદાતાઓના નામ હટાવાયા છે. આ પછી માલદામાં આશરે 2.39 લાખ મતદારોને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે. નાદિયામાં પણ નોંધપાત્ર સંખ્યામાં મતદારોના નામ દૂર કરાયા છે. નાદિયામાં 2.08 લાખ નામ મતદાર યાદીમાંથી હટાવાયા છે.
દક્ષિણ 24 પરગણામાં 2.22 લાખ મતદારોને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે બીરભૂમમાં 82 હજાર મતદારોના નામ વોટર લીસ્ટમાંથી હટાવાયા છે. આ ઉપરાંત હુગલીમાં આશરે 1.20 લાખ, પશ્ચિમ બર્ધમાનમાં 74 હજાર અને ઉત્તર દિનાજપુરમાં 1.76 લાખ નામો મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે.
ચૂંટણી પંચે જણાવ્યું હતું કે યાદીને અંતિમ સ્વરૂપ આપતા પહેલા દરેક નામની યોગ્ય સમીક્ષા કરવામાં આવી હતી. જો કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર અયોગ્ય જાહેર કરાયેલા મતદારોને પુનર્વિચાર માટે ન્યાયિક ટ્રિબ્યુનલ સમક્ષ અપીલ દાખલ કરવાની તક મળશે.

