ઓડિશાની મહાનદીમાં એક જ ગામના 50 લોકો કરી રહ્યા હતા મુસાફરી, બોટ પલટી જતાં 8 ના મોત

રાયગઢ જિલ્લામાં મહાનદીમાં બોટ ડૂબી જવાથી અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં 7 મૃતદેહ મળ્યા છે. જ્યારે હજુ સુધી એક મૃતદેહ મળ્યો નથી. મહાનદીમાં સવારે 6 વાગ્યાથી બચાવ અને સર્ચ ઓપરેશન ચાલુ કરાયું છે. તરવૈયાઓની સાથે ભુવનેશ્વરના સ્કુબા ડાઇવર્સની ટીમ મૃતદેહની શોધ કરી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ તમામ અંજોરીપલી ખરસિયા ગામના રહેવાસી છે.
રેસ્ક્યુ ઓપરેશન ચાલુ, 7ના મૃતદેહ મળ્યા
ઓડિશાના ODRF અને ફાયર ઇમરજન્સીના સ્કુબા ડાઇવર્સ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન અત્યાર સુધીમાં 7 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે એક બોટમાં આશરે 50 જેટલા લોકો રાયગઢ જિલ્લાની સરહદે ઓડિશાના પંચગાંવ સ્થિત પથરસેની મંદિરમાં દર્શન કરવા ગયા હતા. આ દરમિયાન, આ બધા એક બોટમાં મુસાફરી કરી રહ્યા હતા અને અચાનક હોડી પલટી જતા આ સમગ્ર ઘટના બની હતી.
તમામ છત્તીસગઢના રહેવાસી
આ ઘટનામાં ડૂબી જવાથી મૃત્યુ પામેલાઓમાં રાધિકા રાઠીયા, કેસરબાઈ રાઠીયા, લક્ષ્મી રાઠીયા, બાળક કુણાલ રાઠીયા અને એક બાળક નવીન રાઠીયાના મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટનામાં 8 લોકોમાંથી 7 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. એક વ્યક્તિની શોધ હજુ ચાલુ છે. આ તમામ લોકો છત્તીસગઢના ખરસિયા વિધાનસભા ક્ષેત્રના હોવાનું કહેવાય છે.
આ ઘટના બાદ છત્તીસગઢ સરકારના નાણામંત્રી અને રાયગઢના ધારાસભ્ય ઓપી ચૌધરીએ જણાવ્યું કે રાયગઢમાં આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. તેમણે જણાવ્યું કે આ ઘટના ઓડિશાની બતાવાઈ રહી છે. રાયગઢ વિસ્તારના 50 જેટલા લોકો બોટમાં સવાર હતા. આ દરમિયાન બોટ પલટી જવાથી 7 લોકોના મોત થયા છે જ્યારે 1ની શોધખોળ ચાલી રહી છે. મંત્રી ચૌધરીએ જણાવ્યું કે તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સ્થળ પર હાજર છે. તેમણે કહ્યું કે, ઓડિશા સરકારે મદદ આપવાનું વચન આપ્યું છે.

